Mysamachar.in-ગુજરાત:
ગુજરાતમાં શેરબજારની માફક બેડરૂમ પણ દાયકાઓથી એક મોટો વિષય, ખાનગીમાં, રહ્યો છે. બેડરૂમની ચાર દીવાલો ઘણી બધી સંવેદનશીલ બાબતોની સાક્ષી હોય છે. તેની સાથેસાથે લાલબત્તી એ છે કે, ગુજરાતીઓએ બેડરૂમમાં તાકાત દેખાડવા દવાઓ લેવી પડે છે ! વધુ પડતો માનસિક તણાવ, શારીરિક થાક અને સમયની તથા મૂડની અછત- તેની પાછળના કારણો પૈકીના મહત્વના કારણો હોય શકે છે, જાણકારોના મતે.
ચિંતાપ્રેરક બાબત એ છે કે, બેડરૂમમાં પુરુષાતન દેખાડવા ગુજરાતીઓ દવાઓ ખાઈ રહ્યા છે, અને આ દવાઓનું વેચાણ પાછલાં 6 જ મહિનામાં 35 ટકાનો તોતિંગ ઉછાળો દેખાડી રહ્યું છે ! ઈરેકટાઈલ ડિસફંકશન એટલે કે ચોક્કસ પ્રકારની નપુંસકતાને દૂર કરવા લેવાતી આ દવાઓ ED ડ્રગ્સ તરીકે ચોક્કસ વર્ગમાં જાણીતી છે.
નવેમ્બર-2022 થી એપ્રિલ-2023 વચ્ચે આ દવાનું માસિક એવરેજ વેચાણ રૂપિયા 28 કરોડનું હતું. ત્યારબાદ, મે-2023 થી ઓક્ટોબર-2023 વચ્ચે આ દવાનું માસિક વેચાણ રૂપિયા 38 કરોડ થયું. ફાર્મા રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ફાર્મારેક નામની સંસ્થાએ આ આંકડાઓ આપ્યા.
મેડિકલ સ્ટોરના કાઉન્ટર પરથી આ દવાઓ બેહિસાબ વેચાણ થતી હોય છે. ઘણાં લોકોને ઈરેકશનની સમસ્યાઓ હોય છે અને ઘણાં લોકો મોજ ખાતર આવી દવાઓનો ઉપયોગ કરતાં હોય છે એવું જાણકાર લોકો કહી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બેડરૂમ પર્ફોમન્સ ગુજરાત સહિત દુનિયાભરમાં કરોડો લોકોનો રસનો વિષય રહ્યો છે, સૈકાઓથી. કેમ કે, આ કુદરતી આવેગ અને શરીરની મૂળભુત વૃતિ છે.