Mysamachar.in-જામનગર:
જામનગર શહેર ધીમે ધીમે ખૂબ જ મોટું બનવા તરફ ગતિ કરી રહ્યું છે, આગામી વર્ષોમાં શહેર ખૂબ જ મોટું બનશે અને તેથી સ્વાભાવિક રીતે જ, શહેરની પીવાના તથા વપરાશના પાણીની જરૂરિયાત અનેક ગણી વધી જશે, આ પાણીની શુદ્ધિકરણની તથા વિતરણની કામગીરીઓ પણ વધી જશે, આ બધી જ બાબતોના ઓડિટ અને સંચાલન માટે એક આધુનિક કંટ્રોલ સ્ટેશન બનશે, જેના માટે હાલ પાંચ વર્ષની કામગીરીઓ રૂ. 12.66 કરોડના ખર્ચથી કરાવવા એક ખાનગી પાર્ટીને આ કામ સોંપવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાએ પાંચમી જાન્યુઆરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ખર્ચ મંજૂર કર્યો છે. આ અંગેની કમિશનરની દરખાસ્તનો અભ્યાસ કરી, કમિટીએ રૂ. 1266.73 લાખની રકમ આ માટે હાલ મંજૂર કરી છે. આ રકમના બદલામાં નીશ ટેકનો પ્રોજેક્ટ પ્રા. લિ. નામની કંપનીએ આ કામ કરવાની જવાબદારીઓ સ્વીકારી છે.
આ અંગે વધુ વિગતો આપતા મનપાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલે કહ્યું કે આગામી 2025 સુધીમાં શહેરની પાણીની અંદાજિત ડિમાંડ દૈનિક 155 થી 160 MLD થશે, આ જરૂરિયાત પૂર્ણ કરવા ઉપલબ્ધ પાણીનું યોગ્ય વિતરણ કરવું જરૂરી બની રહે. જેના માટે ડેમમાંથી પાણી મેળવી, પંપહાઉસ સુધી પહોંચાડી, પાણી ફિલ્ટર કર્યા બાદ આ પાણીને જુદાં જુદાં ESR મારફત શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા સુધીની તમામ પ્રક્રિયાઓનો ડેટા, પાણીલોસ ઉપરાંત પાણીનો જથ્થો અને વિતરીત થતાં પાણીની ગુણવત્તા તથા વોટર ઓડિટ માટે આ કંટ્રોલ સ્ટેશનમાં ઓટોમેટિક આધુનિક મશીનરીઓ લગાવવામાં આવશે, આ બધી જ કામગીરીઓ SKADA પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવશે.
સમગ્ર વ્યવસ્થાનું આ રીતે કંટ્રોલિંગ અને મોનિટરીંગ થવાથી વોટર વર્કસ વિભાગ તથા સક્ષમ સતાને આખો અને સાચો ડેટા મળશે. જેનાથી પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવી શકાશે. આ સંપૂર્ણ કામગીરીઓ અમૃત 2.0 યોજના અંતર્ગત હાથ ધરવામાં આવી છે.
ખીજડીયા પ્લાન્ટ, પંપહાઉસ, જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ, આજી-3, ઉંડ તથા સસોઈ ડેમને ઈન્ટરનેટના માધ્યમથી આ કંટ્રોલ સ્ટેશન સાથે જોડી લેવામાં આવશે. અને તમામ ESR પણ આ સ્ટેશન સાથે જોડાઈ જશે. આ વ્યવસ્થા રાઉન્ડ ધ કલોક એટલે કે ચોવીસેય કલાક કાર્યરત રહેશે, ખૂબ ઓછા માનવબળ સાથે આ વ્યવસ્થા ઓપરેટ કરી શકાશે અને વધુ ચોકસાઈથી આ કામ કરી શકાશે.
પાણી વિતરણ વ્યવસ્થામાં થતી માનવીય ભૂલો બાદ થઈ જવાથી પાણી વિતરણ ઠપ્પના બનાવો ઘટી જશે. સમગ્ર વ્યવસ્થા આ કંટ્રોલ સ્ટેશનથી એટલે કે એક જ જગ્યાએથી ઓપરેટ થઈ શકશે. સમગ્ર વ્યવસ્થાનું મોનિટરીંગ JMCની ટોપમોસ્ટ ઓથોરિટી દ્વારા થઈ શકશે. પાણીનો કયાંય વેડફાટ થશે અથવા લીકેજીસ હશે તો જાણી શકાશે અને જરૂરી પગલાં લઈ શકાશે.
આ સમગ્ર પ્રોજેક્ટ હેઠળ સિટી ઈજનેર, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર તથા મદદનીશ ઈજનેરને ડાયરેક્ટ રિપોર્ટગ થઈ શકશે. પાણીની ગુણવત્તાનું મોનિટરીંગ ઓનલાઈન થઈ જવાથી નાગરિકોના આરોગ્યને તેનો સીધો લાભ મળશે. વિવિધ મશીનોની મદદથી પાણીનો હિસાબ કરી શકાશે આમ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી મનપાનો વોટરવર્કસ વિભાગ પણ એક કદમ આગળ વધશે.