Mysamachar.in:ગાંધીનગર
થોડાં સમય પહેલાં વિધાનસભામાં ખુદ સરકારે કબૂલ્યું હતું કે, રાજ્યભરમાં આચાર્યો અને શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે. આમ છતાં લાંબા સમયથી સરકાર દ્વારા આ ખાલી જગ્યાઓ ભરવા ભરતીઓ કરવામાં આવતી નથી ! હજારો ઉમેદવારો આ માટે પચાસ કરતાં વધુ વખત રજૂઆતો પણ કરી ચૂક્યા છે, તે દરમિયાન રાજ્યના શિક્ષણમંત્રી પણ બદલાઈ ચૂક્યા, હજુ આ સમસ્યા યથાવત્ ! ‘ટાટ’નાં ઉમેદવારોએ પચાસ કરતાં વધુ વખત સરકાર સમક્ષ, શિક્ષકોની ભરતી અંગે રજૂઆતો કરી છે. તેઓએ વધુ એક વખત રજૂઆત કરી. સરકાર લાંબા સમયથી શિક્ષકોની ભરતી શા માટે નથી કરતી, એ રહસ્ય છે. સરકાર મોટાપાયે ભરતીઓની વાત ઘણી વખત કરે છે પરંતુ શિક્ષકો અને આચાર્યોની ભરતીઓ કરવામાં આવતી નથી.
‘ટાટ’નાં ઉમેદવારોએ કહ્યું : સરકાર એક તરફ વિધાનસભામાં ખુદ સ્વીકારી રહી છે કે, રાજ્યમાં આચાર્યો અને શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે. બીજી તરફ સરકાર આ ભરતીઓ માટે માત્ર આશ્વાસન આપે છે, લાંબા સમયથી ભરતીઓ કરતી નથી. ભૂતકાળમાં તત્કાલીન શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ પણ આ ભરતીઓ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. હાલનાં શિક્ષણમંત્રી સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી છે. ‘ટાટ’નાં ઉમેદવારોએ કહ્યું છે કે, ધોરણ 9 થી 12 નાં વર્ગોમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી હોવાથી લાખો છાત્રોના ભણતર અને શાળાઓનાં પરિણામો પર પણ અસરો થઇ રહી છે, આમ છતાં સરકાર ભરતીમાં આટલો લાંબો વિલંબ શા માટે કરી રહી છે ?! જો કે, સરકાર આ મુદ્દે ઘણાં સમયથી સ્પષ્ટતા નથી કરી રહી, ભરતીનાં માત્ર આશ્વાસન આપી રહી છે તેથી હજારો ઉમેદવારો નારાજગી અને રોષ તથા લાચારી વ્યક્ત કરી રહ્યા છે.