Mysamachar.in-રાજકોટ
ગઈકાલે જ ફ્રુટના બોક્સની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ પોલીસે કર્યો હતો ત્યાં જ 31 ડીસેમ્બરની ઉજવણી માટે આવી રહેલ દારુ પોલીસે ઝડપી પાડ્યો છે, ન્યૂ યર પાર્ટી યોજાઈ તે પૂર્વે જ બૂટલેગરો મેદાનમાં આવી ગયા છે. છેલ્લા 15 દિવસમાં રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા એક કરોડથી વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એવામાં આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરે જે રીતે અપનાવી હતી તેને જોઈને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે તપાસ કરતા આરોપીએ કારના ગેસના બાટલાને કાપીને તેમાં ચોરખાનું બનાવ્યું હતું. આ ચોરખાનામાં તે અંગ્રેજી દારૂની બોટલો મૂકીને હેરાફેરી કરતો હતો.
નૂરમહમદ જુસબ સમાં નામનો વ્યક્તિ પ્રોહિબિશનના ધંધા સાથે સંકળાયેલો છે. તે પોતાની પાસે રહેલી કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો છે. તેણે પોતાની કારમાં પાછળના ભાગે પ્રથમ દ્રષ્ટિએ ગેસ કીટ લાગે તે પ્રકારનું એક ખાનું બનાવ્યું છે. જે ખાનામાં તે વિદેશી દારૂ તેમજ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કુવાડવા રોડ પર નૂરમહમ્મદ કાર સાથે નીકળતા ક્રાઇમ બ્રાન્ચે તેની કાર રોકી હતી. કારની તલાશી લેતા તેમાં બનાવવામાં આવેલા ખાનામાંથી અલગ અલગ બ્રાંડની 30 નંગ બોટલ મળી હતી. આ ઉપરાંત અન્ય એક બ્રાન્ડની છ નંગ બોટલ મળી હતી.