Mysamachar.in:ગાંધીનગર
આ વખતે ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓ વધુ કડક વાતાવરણમાં લેવાય એવું સમજાઈ રહ્યું છે. પરીક્ષા બોર્ડે અમદાવાદનાં પોલીસ કમિશનર ઉપરાંત જામનગર સહિતના તમામ જિલ્લાનાં કલેકટરોને પત્ર લખ્યો છે અને પરીક્ષા સંબંધિત ઘાલમેલનાં કિસ્સાઓમાં આકરી પોલીસ કાર્યવાહી હાથ ધરવા કહ્યું છે. બોર્ડે જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રોમાં કોઈની પાસે મોબાઈલ ફોન દેખાય તો સીધી જ ફોજદારી ફરિયાદ દાખલ થવી જોઈએ. બોર્ડ પરીક્ષાઓ 14થી 29 માર્ચ દરમિયાન છે ત્યારે સ્થાનિક પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્ર દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે, કસૂરવારો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરે.
પ્રશ્નપત્રો લીક થઈ શકે તેવાં કોઈ પણ મામલામાં બોર્ડ એકટ મુજબ ફોજદારી ધારાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવાની રહેશે. આ ગુનામાં 3થી 5 વર્ષ સુધીની સજા અને રૂ.બે લાખનાં દંડની જોગવાઈ છે. બોર્ડે એમ પણ કહ્યું છે કે, પરીક્ષા કેન્દ્રોમાં કોઈની પણ સાથે મોબાઈલ દેખાય કે તુરંત પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ. પરીક્ષા સંબંધિત કાગળો અને દસ્તાવેજો ખાનગી અને કલાસિફાઈડ દસ્તાવેજ છે. જે કોઈ પણ રીતે જાહેર થાય તો ઉપરોક્ત સૂચના મુજબ ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની રહેશે. બોર્ડે એમ પણ કહ્યું છે કે, પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પણ વ્યક્તિનું વર્તન અયોગ્ય જણાય તો તેનાં વિરુદ્ધ આઈપીસી ની કલમ-36, 114, 420 અને 379 મુજબ ગુનો દાખલ કરી શકાય છે.