Mysamachar.in-જામનગર:
જામનગર વીજતંત્ર દ્વારા ગુરૂવારે જામનગર શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત જિલ્લાના અલગ-અલગ પંથકોમાં વીજચેકિંગ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન કુલ રૂ. 63.70 લાખની વીજચોરી ઝડપાઈ ગઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જામનગર વીજતંત્રએ કુલ 46 ટીમોને શહેર અને જિલ્લામાં ચાલતી ગોબાચારીઓ ઝડપી લેવા મેદાનમાં ઉતારી હતી. આ ચેકિંગ દરમિયાન ટીમોએ જામનગર શહેરના બેડી વિસ્તાર ઉપરાંત કાલાવડ નાકા તેમજ બેડેશ્વર વિસ્તાર તેમજ જામનગર નજીકના સચાણા, બાલાચડી ગામોમાં તથા જામજોધપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 506 વીજજોડાણ ચેક કર્યા હતાં, જો કે તે પૈકી માત્ર 96 વીજજોડાણોમાં વીજચોરી સહિતની અનિયમિતતાઓ ધ્યાન પર આવી હતી, આ વીજજોડાણધારકોને કુલ રૂ. 63.70 લાખના વીજપૂરવણી બિલો આપવામાં આવ્યા છે.
આ ચેકિંગ દરમિયાન જામજોધપુર તાલુકાના સતાપર ગામની એક ખાનગી શાળામાં ચાલતી વીજચોરી પણ ઝડપાઈ ગઈ હોવાનું તંત્રએ જાહેર કર્યું છે, આ સંપૂર્ણ કાંડનું તંત્રએ વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું છે જેમાં શાળાનું નામ હેરમા સ્કૂલ હોવાનું બહાર આવ્યું છે, જો કે તંત્ર દ્વારા આ શાળાનું નામ મીડિયાકર્મીઓને આસાનીથી આપવામાં આવ્યું ન હતું. આ વીજજોડાણ શાળા સંચાલક જયદીપ રામજીભાઈ હેરમાના નામનું હોય, તંત્રએ એમને રૂ. 25 લાખનું વીજચોરીનું પૂરવણીબિલ આપ્યું છે. સામાન્ય રીતે શાળાઓમાં છાત્રો અને છાત્રાઓને નીતિમતા અને સંસ્કારના પાઠ ભણાવવામાં આવતાં હોય છે. તે દરમિયાન શાળા-હોસ્ટેલમાં આવડી તોતિંગ વીજચોરી ઝડપાઈ જતાં જામજોધપુર પંથક સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. અહીંથી વીજતંત્રએ વધારાનો વાયર પણ કબજે લીધો છે અને TC સહિતનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું છે, તેથી મામલો ઘાટો બની ગયો છે.
જામજોધપુર પંથકમાં વીજચેકિંગ દરમિયાન અન્ય એક નોંધપાત્ર ઘટના પણ બની છે, તાલુકાનાં માંડાસણમાં બે શખ્સોએ ચેકિંગ દરમિયાન વીજતંત્રના સ્ટાફને ઘેરી લઇ મારી નાંખવાની ધમકી આપતાં સનસનાટી મચી ગઈ હતી, જો કે તંત્રએ મચક આપી નથી અને આ બંને શખ્સો વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરાવી છે. જામજોધપુર વીજતંત્રના નાયબ ઈજનેરે શૈલેષ વિઠ્ઠલભાઈ સાકરીયા અને અતુલ વિઠ્ઠલભાઈ સાકરીયા વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ શખ્સોએ વીજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને ગાળો ભાંડી છે અને મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.
આરોપીઓ પૈકી શૈલેષ સાકરિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ તેમજ મહિલા સરપંચના પુત્ર હોવાનું બહાર આવ્યું છે. જામજોધપુરના માંડાસણમાં ગુરૂવારે સવારે દસેક વાગ્યા આસપાસ આ માથાકૂટ થઈ હોવાનું અને તેના વીડિયો ફૂટેજ વાયરલ થયા હોવાનું પણ જાણવા મળે છે. જામજોધપુર તાલુકામાં તથા જિલ્લામાં સતાપર અને માંડાસણના આ બે બનાવે ભારે ચકચાર મચાવી છે.