Mysamachar.in: ગુજરાત
પેટ્રોલ ડીઝલનાં વાહનોની સામે ઈલેક્ટ્રીક વાહનોનું ચલણ વધી રહ્યું છે, સરકાર પણ ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. એ દરમિયાન, ઈલેક્ટ્રીક વાહનો માટે એક એપ્રિલથી ચાર મહિનાઓ માટે એક નવી સ્કીમ શરૂ થઈ છે.અગાઉ ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા faster adoption and manufacturing electric vehicle એટલે કે FAME નામની સ્કીમ ચલાવવામાં આવતી હતી. આ સ્કીમ 31 માર્ચના દિવસે ખતમ થઈ છે. તે દરમિયાન સરકારે એપ્રિલ થી જૂલાઈ-2024 માટે, ગત્ 13મી માર્ચે એક નવી સ્કીમ જાહેર કરેલી. આ સ્કીમનો અમલ આજથી શરૂ થયો છે જેનો લાભ જૂલાઈના અંત સુધી આપવામાં આવશે. આ સ્કીમનું નામ ઈલેક્ટ્રીક મોબિલિટી પ્રમોશન સ્કીમ છે.
EMPS નામની આ સ્કીમ અંતર્ગત, સરકાર ચાર મહિનાઓ દરમિયાન કુલ રૂ. 500 કરોડની સબસિડી ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને આપશે. આ સ્કીમ દેશભરના નાગરિકો માટે છે અને સબસિડી માટેની ફાળવાયેલી કુલ રકમ નાની હોવાથી, આ સ્કીમનો લાભ લેવામાં પડાપડી રહેવા સંભવ છે.આ સ્કીમમાં બે પૈડાંવાળા વાહનોને કિંમતમાં રૂ. 10,000ની રાહત આપવામાં આવશે. આ ઉપરાંત 3 પૈડાંવાળા ઓટો, ઈ-રિક્ષા અને ઈ-કાર્ટ વાહનોને રૂ. 25,000ની અને એથી મોટાં 3 પૈડાંવાળા વાહનોને રૂ. 50,000 સુધીની સબસિડી મળી શકશે. આ યોજના જૂલાઈના અંત સુધી ચાલુ રહેશે. આ યોજના ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે.વધુમાં જાણવા મળે છે કે, જૂલાઈ અંત સુધીમાં આ સ્કીમ અંતર્ગત કુલ 3.33 લાખ બે પૈડાંવાળા ઈલેક્ટ્રીક વાહનોને આ સબસિડીનો લાભ મળશે. આ ઉપરાંત ચોક્કસ મર્યાદામાં 3 પૈડાંવાળા વાહનોને પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવવામાં આવશે.