Mysamachar.in-ગાંધીનગર:
ઘણાં બધાં ગુનાઓ એવા હોય છે જેમાં ગુનાનો ભેદ ઉકેલવામાં અને આરોપીઓને સજાના સ્ટેજ સુધી પહોંચાડવામાં FSL રિપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતાં હોય છે પરંતુ ગંભીર બાબત એ છે કે, વર્ષોથી ગુજરાત FSL હસ્તાક્ષર નિષ્ણાંતોની અછતનો સામનો કરી રહ્યું છે. જેને કારણે 6 વર્ષથી ઘણાં બધાં કેસોના ઉકેલ આવી શક્યા નથી, આવા મામલા પડતર છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, ગુજરાત FSL માં હસ્તાક્ષર નિષ્ણાંતોની 35 જગ્યાઓ મંજૂર થયેલી છે. જે પૈકી 19 જગ્યાઓ પર આ અધિકારીઓ છે જ નહીં, જગ્યાઓ ખાલી. જેને કારણે પોકસો, દુષ્કર્મ, હત્યા અને આપઘાત તેમજ નાણાંકીય છેતરપિંડીઓના ઘણાં કેસો, FSL રિપોર્ટના અભાવે પડતર રહ્યા છે. આ કેસોમાં ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે.

રાજ્યભરમાંથી સરેરાશ 50 જેટલાં મામલાઓ પોલીસ FSL ને રિપોર્ટ માટે મોકલે છે જેમાંથી રોજ સરેરાશ 15-16 કેસ સ્ટાફના અભાવે પેન્ડિંગ પડ્યા રહે છે, આ પડતર કેસોનો ભરાવો થઈ રહ્યો છે. અમુક કેસો અરજન્ટ પણ હોય છે, જેને કારણે અન્ય કેસો પડતર રહે છે. FSL માં આ પ્રકારના અધિકારીઓની ભરતીઓ કરવાની પ્રક્રિયાઓમાં પણ વિલંબ થઈ રહ્યો છે. જેને કારણે 6 વર્ષથી આ પડતર કેસની સંખ્યા વધી રહે છે. અદાલતો અને પોલીસ FSL રિપોર્ટ્સનો ઈંતજાર કરી રહ્યા છે.
