Mysamachar.in-રાજકોટ
યુ ટ્યુબ અને ગુગલની મદદથી લોકો શું શું કરે શકી છે, તેનું વધુ એક ઉદાહરણ રાજકોટમાં સામે આવ્યું છે, અત્યારસુધી આપણે યુટ્યુબ પરથી ચોરીનો પ્લાન બનાવતા તસ્કરો, એટીએમ નિશાન બનાવતા સાતીર દિમાગ શખ્સો જોયા છે, પણ રાજકોટની આજીડેમ પોલીસે દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. બાદમાં તેણે તમંચો આપનારનું નામ આપતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસ પણ આશ્ચર્યમાં ત્યારે મુકાઈ જયારે જાણવા મળ્યું કે તમંચો બનાવનાર શખ્સે લોખંડના કારખાનામાં યુટ્યુબ પર વીડિયો જોઈ બનાવ્યો હતો. આરોપી પાસેથી બંદુકના સ્કેચ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ ડાયરીમાં લખ્યું કે, હું એક ખોજ કરી રહ્યો છું સફળ થઈશ તો તકલીફો દૂર થઇ જશે અને દેશી તમંચો બનાવી નાખ્યો.
કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રાજેશ આંકોલીયા નામનો શખ્સ ગેરકાયદે હથિયાર લઈ ફરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી સીતારામ સોસાયટી પાસેથી રાજેશ આંકોલિયાને દેશી બનાવટના તમંચા સાથે જ ઝડપી લીધો હતો. આરોપી પાસે આ હથિયાર ક્યાંથી આવ્યું તેની પૂછપરછ કરતા તેણે તમંચો નવીનકુમાર દાદોરિયા પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે નવીનકુમારની ધરપકડ કરી હતી. નવીનકુમારે પોલીસને કબૂલાત આપતા જણાવ્યું હતું કે, હું બે મહિનાથી રાજકોટમાં મજૂરી કામ માટે આવ્યો હતો. ગોંડલ રોડ પર આવેલી શિવ હોટલ પાસેના હર્ષ મશીન ટૂલ્સમાં મશીનની મદદથી ઓનલાઈન યુટ્યુબ પર વીડિયો જોઈ તમંચો બનાવ્યો હતો. પોલીસે નવનીતકુમાર પાસેથી ડ્રોઈંગ કરેલા બંદુકના સ્કેચ, હથિયાર બનાવવાની અલગ-અલગ સ્પ્રિંગ, હથિયાર બનાવતા વેસ્ટમાં ગયેલા અને પ્રોપર ન બનેલા અલગ-અલગ સ્પેરપાર્ટ સહિત હથિયાર બનાવવાનું લોખંડનું રો-મટિરિયલ પણ પોલીસે કબ્જે લીધું હતું.