Mysamachar.in-જામનગર:EXCLUSIVE
જામનગર જિલ્લામાં ઘણાં લાંબા સમય પછી, ખાણખનિજ ક્ષેત્રમાં સરકારનાં સ્તરેથી હિલચાલ શરૂ થઈ છે. ગાંધીનગરથી છૂટેલાં આદેશના અનુસંધાને, જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સર્વે કામગીરીનો પ્રારંભ થયો છે. ખેતીની જમીનોના નકશાઓ જે રીતે DLR કચેરી હસ્તક થતાં હોય છે અને તેનાં વિવાદો સૂલટાવવા જે રીતે માપણી કામગીરી થતી હોય છે એ જ રીતે ખાણોના ક્ષેત્રમાં પણ ઘણાં વિવાદો અને તકરારો ચાલતી હોય છે ઉપરાંત લીઝ સિવાયના સ્થળોએથી પણ ખનિજનું ખોદકામ થતું રહેતું હોય છે. આ બધી જ બાબતોની જાણકારી પ્રાપ્ત કરવા તથા ફરિયાદો અને વિવાદોનું નિરાકરણ લાવવા સરકાર સ્તરે ખાણોની માપણી જિલ્લાની ભૂસ્તરશાસ્ત્રી કચેરી હસ્તક થતી રહેતી હોય છે. હાલમાં જામનગર જિલ્લામાં આ કામગીરી જામજોધપુર તાલુકાના કેટલાક ગામોમાં ચાલી રહી છે.
જામનગર ભૂસ્તરશાસ્ત્ર કચેરીનાં વડા સુભાષ જોષીએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, હાલમાં જામજોધપુર તાલુકાના ભોજાબેડી અને લલોઈ ખાતે સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી 6 ટીમોના કુલ 18 અધિકારીઓ અને કર્મચારીઓ કરી રહ્યા છે. આ માટે રાજકોટ, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ખાણખનિજ વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓને આ કામમાં જોડવામાં આવ્યા છે, જેઓ ઉપરોક્ત બંને ગામો નજીકની તમામ લીઝની સર્વે કામગીરી કરી રહ્યા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પંથકમાં અંદાજે 95 જેટલી લાઈમ સ્ટોન લીઝ આવેલી છે. જે પૈકી અમુક લીઝમાં વિવાદો પણ છે. આ કામગીરી આ પંથકમાં પાછલાં ત્રણ દિવસથી ચાલી રહી છે. આ ટીમોમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમ પણ સામેલ છે અને પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જામજોધપુર પંથક બાદ જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે એમ જાણવા મળે છે. ગુજરાત સરકાર જામનગર જિલ્લામાં ખાણખનિજ ક્ષેત્રની છેલ્લી સ્થિતિ જાણવા ઇચ્છે છે, એવું આ કામગીરી પરથી સમજાઈ રહ્યું છે. જામનગર તથા ગાંધીનગર કચેરીઓને જામનગર જિલ્લામાંથી કેટલીક ફરિયાદો મળી હોવાનું તથા તે ફરિયાદોનાં અનુસંધાને આ કામગીરી ચાલી રહી હોવાનું પણ વિશ્વસનીય સૂત્રો જણાવે છે.
-ગાંધીનગરમાં અત્યારે શું ચાલી રહ્યું છે ?
જામનગર ખાણખનિજ અધિકારી સુભાષ જોષીએ જણાવ્યું છે કે, હાલમાં પાટનગર ખાતે રાજયભરનાં ખાણખનિજ સર્વેયરોને માપણીની આધુનિક કામગીરી અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ તાલીમ કાર્યક્રમમાં કુલ 50 સર્વેયરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.