Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકોની બદલીઓનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. જેમાં કેટલાંક કિસ્સાઓમાં કોર્ટ મેટર ચાલુ છે. આ અંગેનાં સરકારનાં ઠરાવમાં કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી છે. આ તમામ બાબતો અંગે આગામી સમયમાં જરૂરી ચર્ચાઓ, નિર્ણયો, ફેરફારો અને કાર્યવાહીઓ થશે, એમ શિક્ષણ સાથે સંકળાયેલા અગ્રણીઓ કહે છે. કાલે મંગળવારે આ સંદર્ભે ગાંધીનગર ખાતે એક બેઠક પણ યોજાઈ હતી. જામનગરનાં શિક્ષક અગ્રણી અને રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર તથા તાલુકાફેર બદલીઓ, આંતરિક બદલીઓ અને વધઘટની બદલીઓ વગેરે બાબતોમાં કેટલીક વિસંગતતાઓ ધ્યાનમાં આવી છે. આ ઉપરાંત સરકારનાં ઠરાવના કારણે કેટલીક કોર્ટ મેટર પણ હાલ જોવા મળી રહી છે. આ ગૂંચ ઉકેલવા સરકારે એક કમિટીની રચના કરી છે.
રાજ્યનાં શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવનાં અધ્યક્ષસ્થાને 13 સભ્યોની એક કમિટીની રચના સરકારે કરી છે. આ કમિટી શિક્ષકોની બદલીઓ અંગેનો જે ઠરાવ છે તેમાં આવશ્યક ફેરફારો અંગે ચર્ચાઓ કરશે અને સરકારને આ ઠરાવમાં ફેરફારો સૂચવશે. આ કમિટીની બેઠક આગામી 17મીએ પાટનગર ગાંધીનગરમાં યોજાશે. આ કમિટીમાં કુલ 13 સભ્યો છે. દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા 01-04-2022નાં દિને શિક્ષકોની બદલીઓ અંગેનો જે એક ઠરાવ બહાર પાડ્યો હતો. તે ઠરાવમાં આવશ્યક ફેરફારો અંગે આગામી 17મીએ યોજાનારી બેઠકમાં ચર્ચાઓ થશે. નિર્ણયો લેવામાં આવશે.
અને બાદમાં, આ કમિટી રાજ્યનાં શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી, સરકારનું માર્ગદર્શન મેળવશે. સરકારે ઉપરોક્ત ઠરાવમાં કેવા પ્રકારના ફેરફારો કરવા આવશ્યક છે ? તે અંગે સતરમીની આ બેઠકમાં વ્યાપક ચર્ચાઓ થશે.આ કમિટીની રચના કરવા બદલ તેઓએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી જણાવ્યું છે કે, કમિટીની ઉપરોક્ત બેઠક બાદ રાજય સરકારનો શિક્ષણ વિભાગ બદલીઓ અંગેનો ઉપરોક્ત જે ઠરાવ છે તેમાં આવશ્યક ફેરફારો કરી આપશે એવી અપેક્ષા અત્રે પ્રાથમિક શિક્ષકો વતી વ્યક્ત કરૂં છું.