Mysamachar.in-રાજકોટ
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનાર જ્વેલરીની દુકાનમાંથી 85 લાખની લૂટનો ભેદ ઉકેલી નાખવામાં પોલીસને સફળતા મળી છે, રાજકોટના ચંપકનગર વિસ્તારમાં આવેલા શિવ જ્વેલર્સ નામની દુકાનમાં બંદૂકની અણીએ ચલાવવામાં આવેલી 85 લાખની લૂંટનો ભેદ ઉકેલી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસની મહેનત બાદ અલગ અલગ રાજ્યોમાંથી મુખ્ય આરોપી સહિત 4 આરોપીની ચંબલ નદીના કિનારેથી ધરપકડ કરી છે. કુલ 62 લાખ 37 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર એક આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
લૂંટની ઘટના બાદ પોલીસે અલગ અલગ 3 ટીમ બનાવી આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી હતી. વિવિધ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ કેન્દ્રિત કરવામાં આવતા લૂંટ કરી આરોપીઓ મોરબી તરફ રવાના થયાનું માલુમ થતા પોલીસ મોરબી સુધી પહોંચી હતી અને બાદમાં અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ થતા ત્યારબાદ આરોપીઓનું પગેરું હરિયાણા સુધીનું મળતા પોલીસની 3 ટીમ હરિયાણા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડ્યા હતા.
રાજકોટ પોલીસ દ્વારા હરિયાણામાં STF એટલે કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમની મદદ મેળવવામાં આવી હતી અને 8 દિવસની મહેનત બાદ હરિયાણા ખાતે ચંબલ નદીના કિનારે કન્ટેનમેન્ટ ઝોન ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે હરિયાણા ખાતેથી શુભમ જાટ, અવિનાશ ઉર્ફે ફૌજી, સુરેન્દ્ર જાટ અને બીકેશ ઠાકુરની ધરપકડ કરી છે જ્યારે ફરાર એમપીના આરોપી સતિષ ઠાકુરની શોધખોળ હાથ ધરી છે..
પકડાયેલા આરોપી પૈકી તમામ આરોપીઓ ચોરી, લૂંટ, હત્યા, હત્યાની કોશિશ જેવા ગંભીર પ્રકારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. તાજેતરમાં આરોપીઓ દ્વારા સુરત ખાતે સોની વેપારી પર ફાયરિંગ કરી લૂંટ ચલાવવામાં આવી હતી. જે બાદ ફેબ્રુઆરી માસમાં અવિનાશ અને શુભમને રાજકોટ રહેવા માટે રૂમની વ્યવસ્થા તેમના સાથી મિત્રએ કરી આપી હતી. હાલ પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી ફરાર એમપીના સતિષ ઠાકુરની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અવિનાશ ઉર્ફે ફૌજી ઉપર 9 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે અને રાજસ્થાન પોલીસ ચોપડે વોન્ટેડ હતો જેને પકડવા પર રાજસ્થાન પોલીસે રૂપિયા 5000ના ઇનામની જાહેરાત પણ કરી છે.