Mysamachar.in:ગાંધીનગર
રાજયની લાંચ રૂશ્વત વિરોધી શાખા એટલે કે, ACB કહે છે કે – સરકારનાં જે વિભાગો પ્રત્યક્ષ રીતે લોકો સાથે સંકળાયેલા નથી તેવાં વિભાગો ભ્રષ્ટાચારમુક્ત છે અથવા ત્યાં ક્યારેક જ લાંચના કેસ નોંધાય છે. જો કે જાણકારો એમ પણ કહે છે કે, લાંચના કિસ્સાઓ પકડવા માટે લાંચ રૂશ્વત વિરોધી શાખા અમુક વિભાગોમાં જતી જ નથી ! રાજ્યનાં ACB ચીફ અનુપમ ગેહલોત કહે છે : વર્ષ 2020નાં આંકડા મુજબ રાજયનો કાયદા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, સંસદીય બાબતોનો વિભાગ અને કલાયમેટ ચેન્જ વિભાગ – આ વિભાગોમાં લાંચનો એક પણ મામલો સામે આવ્યો નથી.
2021માં કાયદા અને આદિજાતિ વિકાસ વિભાગમાં જો કે લાંચના એક એક કેસ નોંધાયા હતાં. 2022માં માહિતી અને પ્રસારણ વિભાગમાં કુલ 3 કેસ નોંધાયા હતાં. 2023માં અત્યાર સુધીમાં જો કે કાયદા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ તથા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગમાં કુલ 4 કેસ દાખલ થયા છે. મહિલા અને બાળવિકાસ વિભાગમાં 4 વર્ષમાં 5 કેસ નોંધાયા. ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગમાં 4 વર્ષમાં કુલ 27 કેસ દાખલ થયા. નર્મદા અને જળ વિભાગમાં આ સમયગાળામાં 21 કેસ અને બંદર તથા રોડ વિભાગમાં આ 4 વર્ષમાં લાંચના કુલ 27 કેસ દાખલ થયા છે.
જાણકારો એમ પણ કહે છે કે, ACB વિભાગને વધુ સ્ટાફ અને વાહનો ફાળવવામાં આવે તથા આ વિભાગને 365 દિવસ વાઈબ્રન્ટ રાખવામાં આવે તો, રાજ્યભરમાં લાંચના અસંખ્ય મામલાઓ સામે આવી શકે અને તો રાજ્યમાં તહેલકો પણ મચી જાય, એવું પણ બની શકે ! ACB લિમિટેડ કામ કરે છે તેથી સૌ સારાં વાનાં દેખાઈ રહ્યા છે.