Mysamachar.in:જામનગર
જામનગરમાં જે વેસ્ટ વોટર નીકળે છે તે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે શુદ્ધ થાય છે. પછી દરિયામાં છોડી દેવાય છે. શહેરમાં કોરોનાનું પગેરૂં શોધવા આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સેમ્પલ લેવામાં આવશે. થોડાં સમય પહેલાં આ પ્રકારની કામગીરી અમદાવાદ તથા ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. હવે મુખ્યમંત્રીએ સંશોધન કરનારાઓને સૂચના આપી છે કે, રાજયની દરેક મહાનગરપાલિકાનાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી સેમ્પલ એકત્ર કરી, કોરોના સંદર્ભે અભ્યાસ કરવામાં આવે. તારણો તૈયાર કરવામાં આવે.જામનગર સહિત રાજ્યભરમાં મહાનગરપાલિકાઓમાંથી લીધેલાં પાણીનાં આ સેમ્પલ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે મોકલવાના રહેશે. જ્યાં કોરોના સંદર્ભે જિનોમ સિકવન્સિગ કરવામાં આવશે. કોવિડ-19 માટેની ટાસ્ક ફોર્સનાં નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ મુખ્યમંત્રીને આ કામગીરી માટે સલાહ આપી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા આ આદેશ થયો છે.
આ સેમ્પલનાં અભ્યાસ અને તારણો બાદ કયા કયા શહેરોમાં વધુ અને વ્યાપક પ્રમાણમાં સર્વે કરવો ? તે અંગે નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં દરેક મહાનગરપાલિકા ખાતે આ રીતે અઠવાડિયામાં બે વખત સેમ્પલ લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉનાં સમયમાં ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. તેથી આ વખતે શરૂઆતથી જ ચોકસાઈ રાખવામાં આવી રહી છે. અને પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ હેઠળ છે. સોમવારે રાજ્યમાં માત્ર બે કેસ નોંધાયા હતાં. અમદાવાદ તથા આણંદમાં એકએક કેસ નોંધાયો હતો.
























































