Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતભરમાં મતદાતાઓ પૈકી જેઓ પ્રમાણિક કરદાતાઓ છે અને જેઓની આર્થિક સ્થિતિ પણ લડખડાયેલી છે તે મતદારોને ગુજરાત સરકાર વિધાનસભા ચૂંટણી પછી હવે, રિટર્ન ગિફ્ટ આપી રહી છે ! એક તરફ જંત્રી ડબલનો આકરો ડોઝ અને બીજી બાજુ મહાપાલિકાઓ, પાલિકાઓ અને છેક ગ્રામ પંચાયત સ્તર સુધી આકરાં અને વધારાનાં કરબોજની સૂચનાઓ ગાંધીનગરથી છૂટી ગઈ હોવાનું જાણવા મળે છે ! પ્રમાણિક કરદાતાઓને યાદ રહી જાય એવાં કરબોજ ઝીંકવા તૈયારીઓ થઈ રહી છે !
ગુજરાત સરકારે જંત્રી ડબલ ઝીંક્યા પછી, જામનગર સહિતની મહાનગરપાલિકાઓમાં કરબોજ વધાર્યો છે. ઉપરાંત નવા વેરાઓ પણ ચાર્જના રૂપમાં ઝીંક્યા ! અને હવે, ગ્રામ્ય વિસ્તારોમાં તથા નાનાં નગરોમાં વસતાં મતદાતાઓનો પણ વારો નીકળશે ! રાજ્યમાં શાસકપક્ષને 156 બેઠકો વિધાનસભા ચૂંટણીમાં પ્રાપ્ત થયાં પછીનો સિનારીયો ઘણાં લોકોને અકળાવી રહ્યો છે પરંતુ કોણ, હવે, શું બોલી શકે ?!
રાજ્યનાં નાનાં નગરો અને પંચાયતોની આર્થિક સ્થિતિ કથળેલી છે, એ વાતને આગળ કરીને મુખ્યમંત્રી કક્ષાએથી તંત્રોને અને શાસકોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓએ આર્થિક મજબૂતી મેળવવા કરબોજ વધારવા આવશ્યક છે. અત્રે નોંધનીય છે કે, આ સ્થાનિક સત્તાવાળાઓ કરવેરારૂપે તથા ગ્રાન્ટ સ્વરૂપે જે નાણાં મેળવે છે તેનું સંચાલન યોગ્ય રીતે થાય છે કે કેમ ?! તે દિશામાં કાંઈ જ કાર્યવાહી થતી નથી !
કંગાળ મહાનગરપાલિકાઓ, પાલિકાઓ અને પંચાયતો વેરાઓમાં વધારા અને નવા વેરાઓ તથા ચાર્જ લાદી આવક તો મેળવશે એ ખરૂં પરંતુ જેઓ સદ્ધર નથી એવા પ્રમાણિક કરદાતાઓની કમર ભારે કરબોજને કારણે બેવડ વળી જશે અને પછી પણ એ પ્રશ્ન તો ઊભો જ રહેશે કે, વધુ આવક રળી લેનારી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નાણાંકીય શિસ્ત અને શ્રેષ્ઠ સંચાલન દેખાડી શકશે ? એ દિશામાં ગુજરાત સરકાર આ સ્થાનિક સત્તાવાળાઓ પ્રત્યે કડક વલણ અખત્યાર કરશે ? કે, અત્યાર સુધી ચાલ્યું એમ જ ચાલતું રહેશે ?! પ્રમાણિક કરદાતાઓને બંને બાજુએથી માર પડશે ?! એ પ્રશ્ન હાલ ચર્ચામાં છે !