My samachar.in:-રાજકોટ
રાજકોટ રેલવે ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્ટાફે ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં નકલી TTE બનીને મુસાફરો સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિને પકડી પાડ્યો છે, વધુ વિગતો આપતા, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે 03.05.2022 ના રોજ રાત્રે લગભગ 01:54 વાગે, RPF સ્ટાફને માહિતી મળી હતી કે ટ્રેન નં 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ ના D/1 કોચ નં. WR 014290 માં નકલી ટીટીઇ બનીને ટિકિટ તપાસનાર વ્યક્તિ જોવા મળ્યો છે. માહિતી મળતાં જ, આરપીએફ-સુરેન્દ્રનગરના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર મનોહરસિંહ ચંદ્રાવતે ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન જ્યારે સુરેન્દ્રનગર સ્ટેશન પર આવી ત્યારે તેના ડી-1 કોચમાં મુસાફરોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે એક બહારની વ્યક્તિ એ મુસાફરોની ટિકિટ ચેક કરી હતી..
આજ ટ્રેનમાં સ્પેયરમાં આવી રહેલા રેલવે ના મેલ એક્સપ્રેસ ના ગાર્ડે પરશુરામ કે (હેડ ક્વાર્ટર રાજકોટ) દ્વારા આરપીએફ સ્ટાફને આ બહારની વ્યક્તિ દ્વારા નકલી ટીટીઇ બનીને ને ટિકિટ ચેક કરવાની માહિતી આપવામાં આવી હતી. રાજસ્થાનના પાલી મુંદરા જિલ્લાના રહેવાસી આ બહારના વ્યક્તિ આકાશ એચ રાજપુરોહિતને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર મનોહરસિંહ ચંદ્રાવતે અટકાવ્યો હતો અને સુરેન્દ્રનગર ચોકી પર લાવીને પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું. પૂછપરછ દરમિયાન, આ બહારના વ્યક્તિએ આર્થિક લાભ માટે ટ્રેનમાં ટિકિટ ચેક કરવાનો ગુનો કબૂલ્યો હતો. જરૂરી કાર્યવાહી કર્યા બાદ નકલી ટીટીઈ તરીકે છેતરપિંડી કરનાર આ વ્યક્તિને જીઆરપી સુરેન્દ્રનગરને હવાલે કરાયો હતો.