Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ કેટલો ભયાનક છે, તે બાબત મહાનગરપાલિકા સહિત બધાંને ખબર જ છે. આ દિશામાં કડક પગલાંઓ આવતાં હજુ પણ સમય લાગશે. કારણ કે, શહેરમાં કેટલ પોલિસીના કડક અમલ પહેલાં ઢોરમાલિકો આ બાબતે હજુ વધુ સમય મેળવવામાં સફળ રહ્યા છે.
કોર્પોરેશનના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા કહે છે: શહેરમાં કેટલ પોલિસીનો કડક અમલ કરાવવામાં આવશે. જે ઢોરમાલિકો અને તેમના ઢોર નોંધણી થયેલાં નથી, તેમની નોંધણી કરવામાં આવશે. આ સાથે જ શહેરમાં નોંધાયેલા કે વણનોંધાયેલા કોઈ પણ ઢોર જો રસ્તાઓ પર રખડતાં માલૂમ પડશે તો કબજે લેવામાં આવશે. પરંતુ હાલમાં ઢોરમાલિકોએ આ પોલિસીના અમલ પૂર્વે મુદ્દત માંગી હોય, આ પશુમાલિકોને પાંચ દિવસની મુદ્દત આપવામાં આવી છે.
અહીં સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે, કોઈ પણ બાબત ત્રાસ ફેલાવતી હોય કે નુકસાનકારક હોય- તેમાં મુદ્દત શા માટે ?! તંત્રએ કોઈને પણ પૂછ્યા વગર અને જાણ પણ કર્યા વગર તૂટી જ પડવાનું હોય. આ બાબતે ખુદ હાઈકોર્ટ એક કરતાં વધુ વખત સરકાર અને અધિકારીઓના કાન આમળી ચૂકી છે, તો પણ હજુ અમલમાં વિલંબ શા માટે ?! અને, આ સમસ્યા નવી પણ નથી, વર્ષો જૂની છે. છતાં કામગીરીઓ કરવામાં સત્તાવાળાઓ ઢીલ શા માટે દર્શાવી રહ્યા છે ? નગરજનોના વિશાળ હિતો માટે, તંત્રએ તમામ કાયદાઓ તથા જોગવાઈઓનો કડક અમલ કરાવવાનો જ હોય, એમાં મુદ્દત કે મૂરત પૂછવાની જરૂર શું છે ? નગરજનો ઈચ્છે છે કે, શહેરમાં રખડતાં પશુઓનો ભયાનક ત્રાસ ઝડપથી દૂર થઈ જાય. કોર્પોરેશનને નગરજનોની આ લાગણીઓની સમજવાની જરૂર છે.
