Mysamachar.in-ગાંધીનગર:
સરકાર જામનગર સહિત રાજ્યભરમાં આગામી જૂનથી – નવા શૈક્ષણિક સત્રથી – જ્ઞાનશક્તિ, જ્ઞાનસેતુ અને રક્ષાશક્તિ સહિતની ચાર પ્રકારની શાળાઓ રચવા પ્રયાસ કરી રહી છે. આ માટે એક મસમોટી યોજના પણ જાહેર કરવામાં આવી છે અને બાળકોની પ્રવેશ પરીક્ષાઓ , કાયદા વિરુદ્ધ લેવામાં આવી રહી છે ! બીજી તરફ, આ પ્રકારની શાળાઓ મુદ્દે પ્રથમ કોળિયે માખી જોવા મળી રહી છે !
રાજ્યમાં ઘણાં બધાં લોકો અને સંગઠનો એમ માને છે કે, સરકારનાં આ મૂવથી સરકારી શાળાઓનો મૃત્યુઘંટ વાગી જશે. અને, ખાનગી શાળાઓની પસંદગીમાં પણ વગે વાવણા થવાની ઘણાં લોકોને દહેશત છે. ટૂંકમાં, રાજ્યભરમાં સરકારનાં આ પ્રયાસનો વિરોધ ઉઠ્યો છે. વિરોધ થતાં સરકાર એક ડગલું પાછળ હટી છે. વિરોધને સમજવા તથા વિરોધને આવતાં દિવસોમાં નામશેષ કરવાનાં આશયથી સરકારે એક સમિતિની રચના પણ કરી લીધી છે.
આ સમિતિ 28 સભ્યો ધરાવે છે ! આવડી જમ્બો સમિતિ ખુદ અચરજ છે. શિક્ષણ બોર્ડના ચેરમેનને આ સમિતિનાં વડા બનાવવામાં આવ્યા છે. આ સમિતિ આવતીકાલે બુધવારે એક બેઠક યોજશે. આ બેઠકમાં વિરોધીઓને સાંભળવામાં આવશે. આ બેઠકમાં ભાગ લેવા વિવિધ મંડળોને આમંત્રણ આપવામાં આવ્યા છે. આ તમામ મંડળો શૈક્ષણિક મંડળો છે. ખૂબીની વાત એ પણ છે કે, સરકારની આ યોજના રાજ્યમાં હાલ છેલ્લાં ચરણમાં પહોંચી ચૂકી છે. અને હવે, સમિતિ વિરોધી અભિપ્રાયો જાણશે ! પછી શું થશે ?! એ અંગે હાલ તર્કવિતર્ક વહેતા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે અંધાધૂંધી જેવું વાતાવરણ ઘણાં સમયથી જોવા મળી રહ્યું છે ! જે આડકતરો ઇશારો છે કે, રાજ્યનાં શિક્ષણ ક્ષેત્રે સરકારનાં પ્રયાસો ગંભીર અને સ્પષ્ટ નથી. પુખ્ત વિચારણાઓ યોગ્ય સમયે થતી નથી ! જેને પરિણામે જાતજાતની ધાંધલ સર્જાતી રહે છે. એમાં આ એક વધુ ધમાલનો ઉમેરો થયો હોવાનું જોવા મળી રહ્યું છે ! સૌની નજર હવે આવતીકાલે યોજાનારી સમિતિની બેઠક પર છે. અને બીજી બાજુ લાખો વાલીઓનાં શ્વાસ અધ્ધર છે !