Mysamachar.in:અમદાવાદ:
મેસેજિંગ એપ વોટસએપ સૌથી વધુ વપરાશકારો ધરાવે છે. અને તેને કારણે તેની લોકપ્રિયતા સૌથી વધુ છે. આ જ કારણથી સૌથી વધુ દુરુપયોગ પણ આ એપનો જ થઈ રહ્યો છે ! જેની પાછળ કંપનીની પોલિસી છે. વોટસએપ દરેક વપરાશકારને ખાતરી આપે છે કે, કોઈ પણ વ્યક્તિ, સરકાર કે ખુદ વોટસએપ પણ, તમારાં સંદેશાઓ, ચિત્રો કે વીડિયોઝની જાસૂસી કરી શકે નહીં, કેમ કે આ બધું જ વોટસએપ પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે.
કંપનીની આ પોલિસી સરકારને અકળાવે છે. કેમ કે, વોટસએપ યુનિવર્સિટીના નામથી બદનામ આ એપ પર કરોડોની સંખ્યામાં ફેક સંદેશાઓ દુનિયાભરમાં વાયરલ છે. કરોડો ચિત્રો અને વીડિયોઝ પણ વાયરલ છે. આ ચિત્રો અને વીડિયોઝ પૈકી ઘણાં, વિકૃત અને ફેબ્રિકેટેડ હોય છે. જે સમાજમાં અનેક પ્રકારની ઉપાધિઓ સર્જી શકે છે. સર્જે છે. જેના પર સરકારની સતત નજર છે. ખાસ કરીને આગામી લોકસભા ચૂંટણીઓ અગાઉ આ મુદ્દે સરકાર કાંઈક મોટું કરવા ચાહે છે, એવું આધારભૂત સૂત્રના હવાલે બહાર આવ્યું છે.
સરકાર સાથે સંકળાયેલા ઉચ્ચ વર્તુળો જણાવે છે કે, લોકસભા ચૂંટણીઓ પહેલાં વોટસએપના દુરુપયોગને અટકાવવા અને અંકુશમાં લેવા સરકાર IT રુલમાં મોટો ફેરફાર લાવવાની તૈયારીઓમાં છે. સરકાર ઈચ્છે છે કે, આ પ્રકારના ચિત્રો, સંદેશાઓ અને વીડિયોઝ વોટસએપ પર, સૌપ્રથમ કયાંથી અપલોડ થયા ? તે જાણવું આવશ્યક છે. અને તે ઓરિજિનેટર પર કાયદા હેઠળ કામ ચલાવવું આવશ્યક છે- કારણ કે, તો જ આ વાયરલની સમસ્યા હલ થઈ શકે. અને તો જ કસૂરવારને સજા આપી શકાય.
બીજી તરફ, વોટસએપ મેસેજિંગ કંપની આ મુદ્દે એટલે કે વપરાશકારની પ્રાઈવસીની સુરક્ષા મુદ્દે કોઈ જ બાંધછોડ કરવા રાજી નથી. કેમ કે, આ ભરોસાને કારણે જ કરોડો યૂઝર આ એપ સાથે જોડાયેલા છે. વોટસએપ કોલનું ચલણ પણ આ જ કારણથી વધી રહ્યું છે.
સરકાર આ મેસેજિંગ કંપનીને એવી પણ ખાતરી આપી રહી છે કે, આ સૂચિત કાયદો અથવા કાયદાનો સુધારો સરેરાશ વપરાશકારને ક્યાંય પણ નહીં નડે. જો કે, હાલમાં આ આખો મામલો વોટસએપ વીડિયોઝ પૂરતો જ મર્યાદિત રહેશે એવું સમજાઈ રહ્યું છે. એવું પ્રથમ વખત બની રહ્યું છે કે, સરકાર IT રૂલ્સ, 2021 અંતર્ગત કલમ-4(2)મુજબ કંપનીને વીડિયોઝ બાબતે આ હુકમ કરશે. કંપનીનો મત એવો છે કે, જો સરકાર તરફથી આવો આદેશ થશે તો માસ સર્વેલન્સ( મોટાં સમૂહ પર નજર, અથવા બધાં યૂઝર પર નજર)સરકાર પક્ષે ઈઝી બની શકે છે. હાલ આ મામલો જો અને તો છે પરંતુ લોકસભા ચૂંટણીઓ પહેલાં આ મુદ્દો મુખ્ય ચર્ચાઓમાં અથવા સુપ્રિમ કોર્ટમાં પણ પહોંચી શકે છે.