Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકાર શિક્ષણને બોજ સમજતી હોય એવું દેખાઈ રહ્યું છે. સરકારને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ થાય એમાં રસ નથી. વધુ ને વધુ ખાનગી સંચાલકો શાળાઓ ચલાવતાં રહે – એ દિશામાં સરકાર ઝડપભેર આગળ વધી રહી છે. વિધાનસભા ગૃહમાં સરકારે જાહેર કરેલા આંકડા પણ આમ જ કહે છે ! સરકારે પાછલાં બે વર્ષમાં જામનગર સહિત રાજ્યભરમાં કુલ 495 ખાનગી શાળાઓને મંજૂરી આપી છે. જેમાં 136 માધ્યમિક શાળાઓ અને 359 પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. જો કે આ સમયગાળા દરમિયાન સરકારે એક પણ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી.
આ ઉપરાંત વિધાનસભામાં એ પણ જાહેર થયું છે કે, માત્ર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જ વાત કરો તો, આ બે જિલ્લામાં સરકારી શાળાઓમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે ! આ ઉપરાંત રાજ્યભરમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે પરંતુ ગુજરાતમાં ગુજરાતી ભાષાનાં આટલાં શિક્ષકો ઉપલબ્ધ છે જ નહીં ! સરકારે પાછલાં બે વર્ષમાં જે ખાનગી શાળાઓને મંજૂરી આપી છે તેમાં સૌથી વધુ શાળાઓ રાજકોટ જિલ્લાની 40 છે. 35 શાળા સાથે અમદાવાદ બીજા ક્રમે છે. જામનગર જિલ્લામાં 28 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.