Mysamachar.in-રાજકોટ
દેશમાં અને રાજ્યમાં દીકરીઓ સાથે દુષ્કર્મ છેડતી સહીતની ઘટનાઓ વધી રહી છે, છતાં સરકાર તો સબસલામતના બણગા ફૂક્તી રહે છે, એવામાં રાજકોટની દીકરીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે સમગ્ર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અમે જાગ્રત મહિલાએ ભારતના બંધારણે આપેલા અધિકાર મુજબ બંદૂક, ગન, રિવોલ્વર રાખવાના લાઈસન્સ અમારા સ્વરક્ષણ માટે આપવા માગ કરીએ છે. એક કિશોરીએ કહ્યું હતું કે ભારત સરકારથી કંઈ ન થાય તેમ હોય તો અમને કહી દો અને અમે અમારું રક્ષણ જાતે જ કરી લઈશું. તમે અનેક ફૂલનદેવીને જગાડવાની કોશિશ ના કરો. આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતી-કિશોરીઓ કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહી હતી અને હથિયારનાં લાઈસન્સ આપવા માગ કરી હતી.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે એક ફોન કરવાથી ટીમ આવી રક્ષણ કરે એ બધી બાબત હવે સ્વપ્ન સમાન બની ગઈ છે. હવે લાગે છે કે સ્વરક્ષણ જ એક ઉપાય છે. આ ભારત દેશની હાલની સ્થિતિ અને પરિસ્થિતિને લઈ અમારા રક્ષણ માટે અમને લાગે છે કે અમારી પોતાની પાસે હથિયાર હોવું જોઈએ, આથી આગામી દિવસોમાં અમારામાંની કોઈ બહેન સાથે આવું કૃત્ય થાય એ પહેલાં અમને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવે અને હથિયાર રાખવા માટેનું લાઈસન્સ તાત્કાલિક ધોરણે આપો, જેથી આવા નરાધમોને અમે જાતે જ સરકારે આપેલા સ્વરક્ષણના હથિયારથી સજા આપી શકીએ.
મિતલ પરમાર નામની એક બહાદુર કિશોરીએ તો ત્યાં સુધી કહી દીધું કે સરકાર અમારું રક્ષણ કરી શકે એવું અમને હવે લાગતું નથી, આથી અમે અમારું રક્ષણ જાતે કરી શકીએ એ માટે અમે હથિયાર પાસે રાખી શકીએ, એનું લાઈસન્સ આપો. અમે સ્વરક્ષણ માટે લાઈસન્સ માગીએ છીએ, કારણ કે દિન-પ્રતિદિન રેપની ઘટના વધતી જ જાય છે. તાજેતરમાં જ હાથરસમાં ગેંગરેપની ઘટના બની, કાલે બીજે ક્યાંય હોઈ શકે અને કાલે ગમે તે હોય શકે…હથિયારનું લાઈસન્સ હોય તો આવી ઘટના સમયે આરોપીને હું પાડી શકું. અમારી રજૂઆત એટલી જ છે કે હવે અમારું સ્વરક્ષણ અમને જાતે જ કરવા દો. લાઈસન્સની પરવાનગી ન મળે તો સરકાર અમારી જવાબદારી લે.