Mysamachar.in:ગાંધીનગર
રાજ્યમાં તાજેતરમાં વાતાવરણમાં ફેરફારને કારણે માર્ચ-2023માં કમોસમી વરસાદ ધણા જિલ્લાઓમાં નોંધાયો છે. તથા ખેડૂતોના પાકને નુકશાનના અહેવાલો છે. કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલી નુકશાની બાબતે તા.29 માર્ચના રોજ ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રના છેલ્લા દિવસે નિયમ-116 હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર કૃષિમંત્રીનું ધ્યાન દોરતી સભ્ય જીતેન્દ્ર વાધાણી (વિનેન્દ્રસિંહ ઝાલા, રમણલાલ પાટકર)ની સૂચના દાખલ કરવામાં આવી છે. જેમાં ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાનથી ખેડૂત આલમમાં વ્યાપેલી નિરાશા દૂર કરવા સરકારે લીધેલાં કે લેવા ધારેલાં પગલા બાબતે વિધાનસભા ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમ્યાન કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કમોસમી વરસાદની પરિસ્થિતિ બાબતે વિગતવાર નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કમોસમી વરસાદ નોંધાયેલા તથા અસરગ્રસ્ત જિલ્લાઓની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્ટેટ ઇમરજેન્સી ઓપેરશન સેંટર (સ્ટેટ કંટ્રોલ રૂમ) ગાંધીનગર, દ્વારા નોંધાયેલ આંકડા મુજબ 4 માર્ચથી 9 માર્ચ સુધી રાજ્યમાં 27 જિલ્લાના 107 તાલુકામાં નોંધાયો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં 14 માર્ચથી 24 માર્ચ સુધીમાં 31 જિલ્લાના 171 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બન્ને તબ્ક્કા દરમિયાન કુલ 24 જિલ્લાના 70 તાલુકાઓમાં 10 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે.
બન્ને તબક્કાની વરસાદની વ્યાપકતા અને હવામાન ખાતા IMDની આગાહીને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે 19 માર્ચના દિવસે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિગતવાર સમીક્ષા કરી અસરગ્રસ્ત વિસ્તારમાં સતત મોનીટરીંગ કરવા તેમજ જરૂર જણાયે નુકસાનગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરી ધટતા પગલાં લેવા સૂચના આપી હતી. હાલના તબક્કે રાજયના અસરગ્રસ્ત જિલ્લાઓમાં જરૂરીયાત ઉભી થતા પાક નુકશાની સંદર્ભે વિગતવાર સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વિગતવાર સર્વેમાં જો નુકસાની ધ્યાને આવે તો સહાય માટેની વિચારણા કરવામાં આવશે તે મુજબ કૃષિમંત્રી દ્વારા વિધાનસભાગૃહના સભ્યોને જણાવ્યું હતું.