Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકારનો મહેસૂલ વિભાગ IORA (Integrated Online Revenue Application) નામનું પોર્ટલ ઓપરેટ કરે છે. આ એક એવું પ્લેટફોર્મ છે જેનાં માધ્યમથી મહેસૂલ વિભાગની તમામ ઓનલાઇન સેવાઓ ઓપરેટ થાય છે, સંકલિત થાય છે. પરંતુ તેનાં ઉપયોગ દરમિયાન કેટલાંક પ્રશ્નો ઉપસ્થિત થતાં રહે છે. આ પ્રશ્નના નિરાકરણ માટે મહેસૂલ વિભાગે તમામ કલેકટરોને સૂચનાઓ આપી, આ સેવાઓ વધુ સરળ બનાવવા સૂચનો મંગાવ્યા છે.
આવતીકાલે શુક્રવારે તમામ કલેકટરો પોતાનાં સૂચનો વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી મહેસૂલ વિભાગને સોંપશે. આ પોર્ટલ દ્વારા વિવિધ ઓનલાઇન મહેસુલી મંજૂરીઓ મેળવી શકાય છે પરંતુ તેમાં પણ વિલંબ થાય છે ! મહેસૂલી રેકર્ડની તપાસણી પણ ઓનલાઇન થવા પામી છે. મહેસૂલી પરવાનગીઓ જેવી કે, બિનખેતી, પ્રીમિયમની મંજૂરી, બોનાફાઈડ પરચેઝ પરવાનગી તથા હક્કપત્રકની નોંધો જેવી કે વેચાણ, વારસાઈ, હક્ક કમી, હક્ક દાખલ અને હુકમી નોંધો તથા મહેસૂલી અધિકારીઓ દ્વારા થતાં નિર્ણય વગેરેનો આ મોડ્યુલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ માધ્યમથી નોંધણી ફી તથા સ્ટેમ્પ ડયુટીની પણ ઓનલાઇન ગણતરી કરી શકાય છે. આ બધી બાબતો વધુ સરળ બનાવવા સૂચનો મંગાવાયા છે.