Mysamachar.in-રાજકોટઃ
બોલીવૂડની 'અપને' ફિલ્મમાં પરિવારના સભ્યોની લાગણી દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ રાજકોટમાં થયું હતું. ત્યારે રાજકોટના જ ગોંડલમાં એક પરિવાર એવો છે જે મોટી તકલીફો વચ્ચે પણ પરસ્પર હુફની લાગણી યથાવત રાખી સમાજ માટે એક પ્રેરણાનું ઉદાહરણ પુરું પાડી રહ્યો છે. કરુણતા એવી છે કે આ પરિવારમાં નવ-નવ વ્યક્તિ મનોદિવ્યાંગ છે. તેમ છતા પરિવારના વડિલો દ્વારા તમામની નિષ્ઠાપૂર્વક સેવા ચાકરી કરવામાં આવી રહી છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા આ પરિવારના નવ સંતાનોને તરછોડ્યા વગર દાદા-દાદી બધાને ખવડાવવાથી લઇને રોજિંદી તમામ દૈનિક ક્રિયામાં ઉભાપગે મદદરૂપ થાય છે. કરમની કઠણાય સામે લડતા આ ગરીબ પરિવાર તરફ કોઇ સેવાભાવી સંસ્થા કે સરકાર તરફથી પણ જો મદદનો હાથ લંબાવવામાં આવે તેવી ઇચ્છા આ પરિવાર દર્શાવી રહ્યો છે.
વાત છે ગોંડલમાં સાંઢિયા પૂલ પાસે રહેતા ઝૂંપડપટ્ટીમાં રહેતા સરણીયા પરિવારની, રત્નાભાઇ પરમારના પરિવારની બે પેઢીમાં કુલ 9 લોકો મનોદિવ્યાંગ છે. રત્નાભાઈ નોર્મલ છે.પણ તેમના ર દિકરી અને એક દીકરો મનોદિવ્યાંગ છે. આ ઉપરાંત રત્નાભાઈના મોટા દિકરા અરજણભાઈ નોર્મલ છે. પણ તેના ૩ દીકરા અને ૩ દીકરી મનોદિવ્યાંગ છે. આ બધા એક જ ઝુંપડામાં રહે છે. અને રત્નાભાઈના મોટા પુત્ર અરજણ અને અજય છુટક મજુરી કામ કરવા જાય છે. જયારે ઘરમાં રત્નાભાઈ અને તેમના પત્ની દુધીબેન મતલબ કે દાદા-દાદી આ બધા નવેય વ્યક્તિને સાચવવાનું કામ કરે છે. વૃદ્ધ દંપત્તીનું કહેવું છે કે પશુ લે-વેચનો વ્યવસાય સદંતર બંધ જેવો થઈ ગયો છે અને પરિવારમાં છ વર્ષથી લઈ ૩૩ વર્ષના જુવાનજોધ દીકરા મનો-દીવ્યાંગ હોવાથી કફોડી હાલત થઈ છે જેથી ભિક્ષાવૃત્તિ કરી સંતાનોના પેટ ભરવાની ફરજ પડી રહી છે.
ગોંડલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સન્ડે સ્લમ ડે મિશન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત તેઓ સ્લમ વિસ્તારમાં જઈ જરુરિયાત મંદોની જરૂરિયાતો પૂરી કરી રહ્યા હતા એ દરમિયાન તેમની મુલાકાત રત્નાભાઇના પરિવાર સાથે થઇ, પરિવારની સ્થિતિ જાણી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ કિસ્સો મેડીકલ સાયન્સ માટે પણ ચેલેન્જ છે કારણ કે એક જ પરિવારની બે પેઢીમાં કુલ નવ લોકો મનોદિવ્યાંગ છે જયારે એમના મુળ મા બાપ નોર્મલ છે. સમગ્ર બાબત ધ્યાને આવતા રાજકોટ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની ટીમ પણ દોડતી થઇ છે અને આ પરિવારની મુલાકાત બાદ પરિવારને રાજય સરકારની શું મદદ મળી શકે એ માટે પ્રક્રિયા હાથ ધરશે.