Mysamachar.in-ગાંધીનગર:
રાજયભરમાં બનતાં આગના બનાવોને કારણે, ખાસ કરીને હોસ્પિટલોમાં આગના જે બનાવો બન્યા ત્યારબાદ રાજ્યની વડી અદાલત ફાયર સેફટી મુદ્દે સખત બની અને સરકારને ઘણી વખત ફટકારવામાં પણ આવી. તે પછી રાજયમાં ફાયર સેફટી મુદ્દો સંવેદનશીલ બની ગયો અને તમામ પ્રકારના બાંધકામ માટે ફાયર સલામતીના ધોરણો પણ આકરાં બન્યા. જો કે આમ થતાં બાંધકામધારકોની પરેશાનીઓ વધી ગઈ. તેઓએ ફાયર NOC માટે તથા રિન્યુઅલ માટે ફાયર કચેરીએ ધક્કા ખાવા પડતાં હતાં અને આ કામગીરીઓ દરમિયાન લોકોએ વચેટિયાઓની લૂંટનો પણ ભોગ બનવું પડતું હતું તે બાબત ધ્યાન પર લઈ સરકારે આ તમામ કામગીરીઓ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે.
હાલમાં કોમર્શિયલ ઈમારતો અને હોસ્પિટલ સહિતની ઈમારતો માટે ફાયર NOC તથા રિન્યુઅલ ફરજિયાત હોવાને કારણે ફાયર શાખામાં હજારો બાંધકામધારકો ભારે પરેશાન થતાં હતાં. હવે ફાયર પોર્ટલ શરૂ થતાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની કામગીરીઓ નિયત ફી ચૂકવીને ઓનલાઈન કરી શકાય છે. ફાયર સેફટી અધિકારીઓ આ કામગીરીઓ કરી આપે છે.
બાંધકામધારકો તમામ વિગતો ઓનલાઈન અપલોડ કરી લ્યે પછી અધિકારીઓ સ્થળ તપાસ કરે છે અને ઓનલાઈન NOC તથા રિન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. સરકારે આ માટે પરિપત્ર બહાર પાડ્યો છે. ઘણાં બધાં લોકોને ફાયર સલામતી અંગેના નિયમોની જાણકારીઓ ન હતી, તેથી ફાયરના સાધનો વેચનારાઓ તથા વચેટિયાઓને કારણે બાંધકામધારકો લૂંટનો ભોગ બનતાં હતાં, હવે આ છેતરપિંડીઓ તથા લૂંટ અટકશે,એમ જાણકારો જણાવી રહ્યા છે.