Mysamachar.in-રાજકોટઃ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગે 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર 2019 દરમિયાન ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. તહેવારોને ધ્યાને રાખી શરૂ કરાયેલા આ મહાઅભિયાનમાં 4110 કેસ પકડાયા, જેમની પાસેથી કુલ 32,83,160 રૂપિયાનો દંડ મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન રિઝર્વેશન ટિકિટ ધરાવતા મુસાફરોને મુશ્કેલી ન પડે તથા વગર ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે રવિન્દ્ર શ્રીવાસ્તવ તથા સહાયક વાણિજ્ય પ્રબંધક અસલમ શેખના માર્ગદર્શન અંતર્ગત કુલ 45 ટીટીઇ દ્વારા અંદાજે 51 એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં વગર ટિકિટે મુસાફરીના 2885 કેસમાંથી 23.86 લાખ રૂપિયા, ફર્સ્ટક્લાસમાં મુસાફરી કરી રહેલા 1177 મુસાફરો પાસેથી 8.9 લાખ રૂપિયા તથા વગર બૂક કરવામાં આવેલા લગેજના 48 કેસમાં 2,085 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સિવાય ગંદકી ફેલાવવાના 145 કેસમાંથી 14,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો.