Mysamachar.in-રાજકોટ
હાલના સમયમાં લોકો સબંધ કરતા પૈસા, મિલકત વગેરેને વધુ મહત્વ આપવા લાગ્યા હોય તેમ લાગે છે, સંબંધોને સાઈડે મૂકી દઈને જાણે એકબીજાના લોહીના તરસ્યા થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. રાજકોટના જેતપુરમાં પુત્રએ જ પિતાનું ગળું દબાવીને હત્યા કરી નાખ્યાની ચોકાવનારી ઘટના સામે આવી છે, ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને લાશને કબ્જે લઈને ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, ઘટના અંગે મળતી માહિતી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામમાં મથુરભાઈ અમીપરા પરિવાર સાથે રહેતા હતા. મુથરભાઈએ પોતાના પુત્ર રાજેશને ઘર ખાલી કરવા માટે કહ્યું હતું. જોકે, આ અંગે પુત્ર અને પિતા મથુરભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ધીમેધીમે ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઉશ્કેરાયેલા રાજેશે ઘરમાંથી દોરી લાવીને પિતાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા, પોતાના જ પિતાની હત્યા કર્યા બાદ પુત્ર ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતક મથુરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને પિતાની હત્યાના આરોપી સામે ગુનો નોધીને ગણતરીની કલાકોમાં હત્યારા પુત્રને ઝડપી પાડ્યો છે, બીજી તરફ મકાન અને મિલકત અંગે એક પુત્રના હાથે પિતાની હત્યા થવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.