Mysamachar.in-વડોદરા:
જામનગર ગુજરાત સહિત દેશભરમાં સ્માર્ટ શબ્દનો ઉપયોગ કરીને લોકોના હૈયાત પોસ્ટ પેઈડ વીજમીટરના સ્થાને પ્રિ-પેઈડ વીજમીટર લગાડી દેવા થોડા દિવસો સુધી થનગનાટ જોવા મળતો હતો, પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી આ અભિયાન મંદ અને ક્યાંક તો બંધ પણ થઈ ગયું છે. તેની પાછળનું કારણ એવું છે કે, આ સ્માર્ટ વીજમીટર ફરજિયાત કરી શકાય એવી કાયદાકીય જોગવાઈ હજુ સુધી થઈ ન હોવાનું જાણવા મળે છે. અને, બીજો મુદ્દો એવો ચર્ચાઓમાં છે કે, શાસન હાલ ઉકળાટ કે અસંતોષનો સામનો કરવાના મૂડમાં નથી. દરમિયાન, આ મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચતા અદાલતે રાજ્ય તથા કેન્દ્રની ઓથોરિટીઝને નોટિસ મોકલાવી છે.
વાસુદેવ ઠક્કર નામના એક નાગરિકે એવી પિટિશન કરી છે કે, તેની પાસે 10 મિલકત છે અને 11 વીજમીટર છે. અને આ મિલ્કતોમાં વીજકંપનીએ મનસ્વી રીતે, મારાં પર દબાણ લાવીને પોસ્ટ પેઈડ વીજમીટરના સ્થાને પ્રિ-પેઈડ વીજમીટર લગાડવા માટેની કામગીરીઓ હાથ ધરી છે. મને આ મંજૂર નથી. આ પિટિશન દાખલ થતાં અદાલતે સત્તાવાળાઓને નોટિસ મોકલાવી છે. અને, આ નોટિસનો જવાબ 8 ઓગસ્ટ સુધીમાં મંગાવી, આઠમી ઓગસ્ટે હવે પછીની સુનાવણી નિર્ધારીત કરી છે.
અરજદારે આ પિટિશનમાં એમ કહ્યું છે કે, વીજચાર્જ અગાઉથી વસૂલી લેવો એવું 2019માં નક્કી કરવામાં આવ્યું હતું. આ નિર્ણય 2003ના એક્ટ સાથે સુસંગત નથી. આ નિયમ લાગુ કરવા આ નિર્ણય સંસદ સમક્ષ મૂકવો પડે. 2019થી અત્યાર સુધીમાં આવું કોઈ બિલ કે રેગ્યુલેશન સંસદ સમક્ષ લાવવામાં આવ્યું નથી. અરજદારના વકીલે એમ પણ કહ્યું કે, સંસદની મંજૂરી વિના આ નિર્ણય લાગુ કરવો એ કાયદેસરની બાબત નથી, આથી સ્માર્ટ વીજમીટર લગાવવાનો નિર્ણય રદ્દ કરવો જોઈએ. (Symbolic image source:google)