Mysamachar.in-જામનગર:
તંદુરસ્તી માટેની મસ્ત મૌસમ શિયાળો ડોરબેલ વગાડી ચૂક્યો છે, દરવાજો ખોલીએ તો ઘરમાં ઘૂસી જાય ! જામનગર સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનની સાથેસાથે મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું હોય, દિવસે પણ ઠંડીનો અહેસાસ સૌ કરી રહ્યા છે. દરમિયાન, કોલ્ડવેવની પણ આગાહી છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે. જામનગરમાં લઘુત્તમ તાપમાન નીચું જવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં દસ અથવા નવનો આંકડો પણ અનુભવવા મળે. પંદર સોળનો આંકડો સડસડાટ નીચે ઉતરી બાર સુધી તો ગત્ ગુરૂવારથી જ પહોંચી ગયો. હજુ નીચે ઉતરી જશે, કેમ કે કચ્છમાં કોલ્ડવેવની આગાહી છે જ, અને જામનગર તથા કચ્છ વાતાવરણની દ્રષ્ટિએ બહુ દૂર અથવા અલગ ન લેખાય.
જો કે પ્રમાણમાં આપણે ત્યાં ઠંડી વધુ પ્રમાણમાં ફીલ નથી થતી. કચ્છનાં નલિયામાં તો નવદસ નાં આંકડે રહેતું તાપમાન નીચું ઉતરી છેક 4.9 નાં આંકડે પહોંચી ગયું છે. અને હવામાન વિભાગ કહે છે: નલિયામાં હજુ વધુ ઠંડી અનુભવાશે. આ ઉપરાંત હવામાન વિભાગ કહે છે: આઠેક દિવસ પછી સૌરાષ્ટ્રનાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં પવન ફૂંકાવાનો પણ પ્રારંભ થશે. ઠંડી વધતાં જ લોકોને ચાદરો, ધાબળા, શાલ તથા સ્વેટર વહાલાં લાગવા માંડ્યા છે. વહેલી સવારે તથા રાત્રે તાપણાઓ પણ શરૂ થયાં છે. અડદિયા અને ખજૂરપાક તથા અંજીરપાક ખાનારો વર્ગ શિયાળાની મોજ માણી રહ્યો છે. ઘણાં લોકો ઠંડીનો આનંદ પણ માણી રહ્યા છે.
-જામનગરમાં લઘુત્તમ તાપમાન સતત નીચે ઉતરી રહ્યું છે
જામનગરમાં પણ સમગ્ર રાજયની સાથે લઘુત્તમ તાપમાન નીચું ઉતરી રહ્યું છે. હજુ તો હમણાં સુધી આ આંકડો 15-16 જોવા મળતો હતો જે ઘટીને 12 થયાં પછી, કાલે શુક્રવારે રાત્રે 11 ડિગ્રી થયો હતો. મહત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહે છે. ભેજ ઘટતો ઘટતો 49 ટકા નોંધાતા સૂકાં પવનનો સ્પર્શ વધુ ઠંડો અનુભવાઈ રહ્યો છે. જો કે પવનની ગતિ હજુ માત્ર 4 કિમી પ્રતિ કલાક છે, જે આગામી દિવસોમાં વધતાં ઠંડીનો અહેસાસ ઘાટો થવા સંભવ છે.