Mysamachar.in-રાજકોટ:
કેટલીક ગુન્હાહિત ઘટનાઓ એવી બનતી હોય છે જેમાં ઘરમાં કામ કરતા કે પરિવારના સભ્યોની સંડોવણી સામે આવતી હોય છે, આજે પણ રાજકોટમાં એવી એક ઘટના સામે આવી છે જેમાં ઘરમાં નોકર તરીકે કામ કરતા નેપાળી શખ્સે પરિવારના સભ્યો બહાર હોવાનો લાભ ઉઠાવી લઇ અને હાજર માલિકના પુત્રને બંધક બનાવી અન્ય મિત્રો સાથે મળી લાખોની લુંટ ચલાવ્યાની ઘટના બાદ પોલીસ દોડતી થઇ છે.આ અંગે મળતી વિગતો મુજબ રાજકોટના રોયલ પાર્કમાં શેરી નં.7માં આ લૂંટની ઘટના સામે આવી છે. ‘માતોશ્રી’ બંગલામાં નેપાળી શખસોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. તરૂણ સવારે 6 વાગ્યે સૂતો હતો ત્યારે નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડ્યો હતો. ત્યારબાદ તેના સાગરિતો સાથે મળીને તેણે તરૂણને બંધક બનાવ્યો હતો. બાદમાં લૂટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને અંજામ આપવામાં અનિલની પત્ની પણ સંડોવાયેલી હોવાનું માનવામાં આવે છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. બંગલામાં કામ કરતા નેપાળી શખસે અન્ય બે નેપાળી શખસને બોલાવીને ઘરમાં એકલા રહેલા 14 વર્ષના તરૂણને ઓશિકું ફાડી તેના કપડાંથી બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. 25 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ છે.
રોયલ પાર્ક સોસાયટીમાં પ્રભાતભાઈ સિંધવનું મકાન છે. તેમાં વહેલી સવારે તેમના જ ઘરમાં કામ કરતા શખ્સે અને બે અજાણ્યા શખ્સે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. વહેલી સવારે ત્રીજા માળે જ્યાં પ્રભાતભાઈનો પુત્ર જશ સિંધવ સૂઈ રહ્યો હતો ત્યાં આ લોકોએ જશને ઉઠાડી ડરાવી, ધમકાવી અને છરી બતાવી હતી. બાદમાં રોકડા અને સોનાના દાગીના ક્યાં છે એવું કહ્યું હતું. બાદમાં સામે જે રૂમ હતો તેમાં રોકડ અને સોનાના દાગીના હોવાનું જાણતા તેનો લોક તોડી અંદર રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે, હાલ ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. 14 વર્ષનો તરૂણ ઘરે એકલો હતો, ત્યારે ઘરમાં જ કામ કરતા નેપાળી શખસે એકલતાનો લાભ લઈ આ રીતે સનસનીખેજ લુંટને અંજામ આપ્યાની ઘટનાથી રાજકોટ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.