Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં છેલ્લ કેટલાય સમયથી બોગસ કોલ સેન્ટરોનો રાફડો ફાટ્યો છે, તાજેતરમાં પણ સુરતમાં મોટું કોલ સેન્ટર ઝડપાયું હતું, મોટાભાગે ઝડપાતા કોલ સેન્ટરોમાં વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરો પકડાઇ ચૂક્યા છે, આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રના અત્યાર સુધીના સૌથી મોટા કોલ સેન્ટર પર દરોડો પાડી પર્દાફાશ કર્યો છે, આ સાથે પોલીસે 9 શખ્સોની અટકાયત કરી છે, કોલ સેન્ટર ચલાવતા શખ્સો અમેરિકન નાગરિકોને ફોન કરીને તેમનો સોશિયલ સિક્યોરિટી નંબર બ્લોક કરવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા. આ માટે તેઓ એક સાથે પાંચ-છ હજાર લોકોનો વોઇસ મેસેજ મોકલતા હતા અને ખાસ પ્રકારના વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવે છે. આજના કોલસેન્ટરના દરોડામાં પોલીસ પકડથી દૂર આરોપી દેવેન્દ્ર અમેરિકન નાગરિકોના મોબાઈલ નંબર અને ડેટા મેળવી ધીરેન ચીકુને આપતો હતો. ધીરેન ઓફિસના લેપટોપમાંથી આ નંબર ઉપર ‘તમે ગેરકાયદેસર કામ કરતા હોવાથી તમારો સોશિયલ સિક્યુરિટી નંબર રદ થશે.
લોકલ પોલીસે અમને આ ઇન્ફોર્મેશન આપી છે. તમારા ઉપર કેસ થશે.’ જો કેસ ન કરવો હોય તો વધુ વિગત માટે એક નંબર દબાવવાનું કહેતા હતા. આવું કરીને તેઓ યુએસ નાગરિકો પાસેથી 100-200 ડોલરના ગિફ્ટ વાઉચર પડાવી લીધા હતા. કોલ સેન્ટર ચલાવતા લોકો એક સાથે પાંચથી છ હજાર લોકોને વોઇસ મેસેજ મોકલતા હતા. આ માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. જેનાથી અમેરિકન નાગરિકને એવું લાગતું હતું કે આ મેસેજ તેમને સ્થાનિક સ્તરેથી જ આવ્યો છે. ઝડપાયેલા કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં કેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી છે આ તમામ બાબતો અંગે પોલીસ વધારે તપાસ કરી રહી છે. આ મામલે મુખ્ય સૂત્રધાર દેવેન્દ્ર ઉર્ફે નેનો પોલીસ પકડથી દૂર છે. આ તમામ આરોપીઓ રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આલ્ફા પ્લસ કોમ્પલેક્ષમાં કોલ સેન્ટર ચલાવતા હતા. જેમની પાસેથી લેપટોપ, કોમ્પ્યુટર, હેડફોન સહિત કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.