Mysamachar.in-જામનગર:
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના ધૂંવાવ ગામે સૌની યોજના હેઠળ નર્મદા નદીનું પાણી ડેમ સુધી આવતા રૂપારેલ ડેમ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણાં કર્યા હતા.આ તકે કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,જે વિસ્તારોમાં બારમાસ નદીઓ નથી તેવા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓના ખેડૂતોને નર્મદા નદીનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે. રૂપારેલ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોના ચહેરાઓ ઉપર હર્ષની લાગણી જોવા મળી છે. સૌની યોજના હેઠળ નદી નાળાઓમાં નર્મદાનું પાણી પહોચાડવામાં આવતા ખેડૂતો એક કરતા વધારે સીઝનનો પાક લેતા થયા છે અને તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે.
‘સૌની’ એટલે ‘‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના’’. વર્ષ 2014માં આ યોજનાના કામોનો પ્રારંભ થયો. ‘સૌની’ યોજના અંતર્ગત નર્મદાના પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનું દૂરંદેશી આયોજન ઘડાયું હતું. યોજના મુજબ પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા ચાર પાઈપલાઈન લિન્ક દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 155 જળાશયો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા થઈ રહ્યુ છે. જેનો ફાયદો સૌરાષ્ટ્રના હજારો ખેડૂતોને થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખ કણજારીયા, ધૂંવાવ ગામના સરપંચ કાનાભાઈ, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા, આજુબાજુના ગામડાઓના સરપંચઓ, આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.