Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતોના બનાવો વધ્યે જ જાય છે, રોડ સેફટીની વાતો વચ્ચે રોડ પર કોઈ સેફટી ના હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં ગત સાંજે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર વાઘેશ્વર મહાદેવ મંદિર ભુણાવા નજીક બે એસટી બસની વચ્ચે કાર આવી જતા સર્જાયેલા અકસ્માતમાં કાર સેન્ડવિચ બની જવા પામી હતી , જો કે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. મળતી વિગતો મુજબ ભુણાવા પાસેથી પસાર થઇ રહેલી ગોંડલ રાજકોટ રૂટની એસટી GJ18Z 2622 પાછળ કાર GJ 03 ME 0643 ધડાકાભેર ઘુસી ગઈ હતી અને તેની પાછળ તુરંત જ જેતપુર રાજકોટ રૂટની બસ GJ18Z3736 ટકરાઇ જતા આ અકસ્માતમાં કાર સેન્ડવિચ બની ગઇ હતી.
બનાવ અંગે કાર ચાલક મનીષભાઈએ જણાવ્યું હતું કે તેઓ નવી ગાડી છોડાવવા માટે રાજકોટ જઈ રહ્યા હતા અને આ કાર જમા કરાવવામાં આવનાર હતી પરંતુ એ પહેલા જ કાર સેન્ડવીચ બની ગઇ. અકસ્માતની જાણ થતાં જ ગોંડલ એસટી ડેપોના મેનેજર તેમજ તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

























































