Mysamachar.in-જામનગર:
સમાજમાં સગીરાઓ વિરુદ્ધના જાતીય અપરાધો અવારનવાર બની રહ્યા છે, આ પ્રકારના બનાવોમાં આરોપીઓને સજાઓ સંભળાવવામાં આવી રહી છે. તાજેતરમાં જામનગરમાં આવા બે કેસ જાહેર થયા છે જેમાં આરોપીને લાંબા સમય માટેની સખત કેદની સજાના હુકમ થયા હોય. આ પ્રકારના કેસોમાં પ્રોસિકયુશન પ્રો એક્ટિવ જોવા મળતું હોય છે અને જિલ્લા સરકારી વકીલની રજૂઆતો પણ અસરકારક ભૂમિકાઓ ભજવતી હોય છે.
જામનગરની સેશન્સ કોર્ટે આપેલાં એક ચુકાદાની તથા કેસની વિગતો એવી છે કે, આ બનાવના સમયે ભોગ બનનારની ઉમર 14 વર્ષ અને 7 માસની હતી આ સગીરા સાથે દુષ્કર્મ થયું છે. એવી એક ફરિયાદ જામનગર નજીકના એક ગામમાં નોંધાઈ હતી. આ કેસમાં આરોપી તરીકે શાયદઅલી(શાહિદ અઝીઝભાઈ ગજિયા)નામનો એક શખ્સ છે. જેના વિરુદ્ધ પોકસોની કલમ અને આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ થયેલો.
આ કેસ પોકસો અદાલતમાં ચાલવા પર આવતાં જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીએ અદાલત સમક્ષ રજૂઆતો કરી હતી, 12 સાહેદોની સોગંદ પર જુબાની લેવામાં આવી હતી અને 21 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ, આ કેસના ગુણદોષ અને ગંભીરતા સહિતના મુદ્દાઓ ધ્યાન પર લઈ અદાલતે આરોપી શાયદઅલીને 20 વર્ષની સખત કેદની સજા, રૂ. 10,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સજા તથા ભોગ બનનાર બાળકીને રૂ. 6 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
આ ઉપરાંત અન્ય એક કેસની વિગત એવી છે કે, જામનગરની અદાલતે 2022ના એક પોકસો કેસમાં આરોપી અયુબ અલીભાઈ દલને આજિવન (જિવનના છેલ્લા શ્વાસ સુધી) કેદની સજા ફરમાવી છે. આ કેસમાં ભોગ બનનારને રૂ. 10.50 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ થયો છે. આ કેસમાં 25 જેટલાં સાક્ષી-સાહેદોની જુબાની અને 30 જેટલાં દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ડીએનએ રિપોર્ટ તથા ફોરેન્સિક રિપોર્ટ પણ તપાસવામાં આવ્યા હતાં. સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ કરેલ રજૂઆતો અને અસરકારક દલીલો અદાલત સમક્ષ મૂકી હતી. અદાલત દ્વારા આ પ્રકારના નોંધપાત્ર ચુકાદાઓ જાહેર થઈ રહ્યા હોય અપરાધી તત્વોને ગંભીર સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.