Mysamachar.in:ગાંધીનગર
રાજય સરકારે ખાનગી હોસ્પિટલનાં રજિસ્ટ્રેશન માટે નવો કાયદો બનાવ્યો છે. અત્યાર સુધી ગુજરાત નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એકટ, 1949 હેઠળ ખાનગી હોસ્પિટલોની નોંધણી થતી હતી. હવેથી 50 અથવા તેથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલોએ નવા કાયદા હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ નવા કાયદાનું નામ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2021 છે. આ કાયદો એલોપથી, હોમિયોપેથીક કે આયુર્વેદિક એવી તમામ મોટી હોસ્પિટલોને લાગુ પડે છે. આ પ્રકારની નોંધણી સંબંધિત મ્યુ. કોર્પોરેશનમાં કરાવવાની રહેશે. જેનાં પર જેતે જિલ્લાનાં કલેકટરનું નિયંત્રણ રહેશે. હાલમાં ઘણી મહાનગરપાલિકાઓ જૂનાં કાયદા મુજબ આ હોસ્પિટલોની નોંધણી કરી રહી હોવાનું ધ્યાનમાં આવતાં રાજ્યનાં હેલ્થ વિભાગે આ પત્ર જાહેર કર્યો છે. અમદાવાદમાં આ પત્રના અનુસંધાને આ પ્રકારની મોટી હોસ્પિટલોની નોંધણી નવા કાયદા હેઠળ કરવાનું શરૂ થયું છે.
તમામ મહાનગરપાલિકાઓએ આ પ્રકારની મોટી હોસ્પિટલોની નોંધણી સહિતની વિગતોનું રિપોર્ટિંગ કલેકટરને કરવાનું રહેશે. હવેથી આ પ્રકારની મોટી હોસ્પિટલોની જૂના કાયદા હેઠળની નોંધણી વેલિડ નહીં લેખાય. આ પત્ર હેલ્થ વિભાગનાં જોઈન્ટ સેક્રેટરીની સહીથી જાહેર કરવામાં આવ્યો છે જેનો હેતુ કાયદા અંગે જાગૃતિ લાવવાનો છે. તેમાં એમ પણ કહેવાયું છે કે, આ પ્રકારની મોટી હોસ્પિટલોની કામગીરીઓ પર મહાનગરપાલિકાઓએ નિયંત્રણ રાખવાનું થાય છે અને તેનું રિપોર્ટિંગ કલેકટરને મોકલવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં મોટી અને ખાનગી હોસ્પિટલોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ઉપરાંત તેમાં આગ લાગવાના બનાવો પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહ્યા હોય, હાઈકોર્ટનાં નિર્દેશ અનુસાર રાજય સરકાર આ દિશામાં કડક વલણ અખત્યાર કરી ઝડપભેર સુધારાઓ તરફ આગળ વધી રહી છે.