Mysamachar.in-જામનગર:
સૌ જાણે છે કે, જુદાં જુદાં હેતુઓ માટે અને વિવિધ નામો હેઠળ ચાલતાં હજારો ટ્રસ્ટ પૈકી ઘણાં બધાં ટ્રસ્ટમાં મોટી નાણાંકીય હેરફેર થતી હોય છે અને મિલકતોના માલિકી અને કબજા હક્કો હોય છે. બીજી તરફ હકીકત એ છે કે, આ પ્રકારના ટ્રસ્ટોની નોંધણીઓ બાદ યાદીઓ જે રીતે તૈયાર અને અપડેટ થવી જોઈએ તે રીતે થતી નથી એટલે શહેર અને જિલ્લામાં ચાલતાં ટ્રસ્ટો હસ્તક ચાલતી પ્રવૃતિઓ અંગે સામાન્ય અરજદારોને સરકારી કચેરીમાંથી વિગતો સરળતાથી હાથવગી થતી નથી !! જેને કારણે ટ્રસ્ટોમાં કયાં, શું ચાલી રહ્યું છે ?! એ વિગતો પણ છૂપાયેલી જ રહે છે, ઢંકાયેલી રહે છે.
જામનગરમાં ગુલાબનગર રોડ પર આવેલાં સેવાસદન નંબર 4 માં પ્રથમ માળે ટ્રસ્ટ નોંધણી કચેરી આવેલી છે. આ કચેરીમાં જિલ્લાના તથા શહેરના વિવિધ ટ્રસ્ટ અંગેની વિગતો સરળતાથી ઉપલબ્ધ કરાવવાની કોઈ જ વ્યવસ્થા નથી. આ અંગે કચેરીમાં પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કચેરી કોઈ જ સંતોષકારક જવાબ આપી શકવા સમર્થ નથી.
અગાઉ એ હકીકત Mysamachar.in દ્વારા જાહેર કરવામાં આવી હતી કે, જામનગર શહેર અને જિલ્લાના ટ્રસ્ટોમાં વિદેશોમાંથી દાનના સ્વરૂપમાં દર વર્ષે જે નાણું ઠલવાઈ રહ્યું છે, તેના હિસાબકિતાબ શું છે ? એ પ્રશ્ન જયારે આ કચેરીને પૂછવામાં આવેલો ત્યારે કચેરીએ જવાબ આપ્યો કે, આવી કોઈ અલગ યાદી કચેરી પાસે નથી. અત્રે પ્રશ્ન એ છે કે, ગાંધીનગર કક્ષાએથી જામનગર કચેરીને આવો કોઈ પ્રશ્ન પૂછવામાં જ નથી આવતો ?! કે બધું ગોળગોળ ચાલે છે ? કે, સ્થાનિક કચેરી આ વિગતો સંતાડે છે ?!
Mysamachar.in દ્વારા જામનગર કચેરીને આ પ્રકારના અન્ય બે પ્રશ્ન પણ પૂછવામાં આવેલા, જેના જવાબો આ કચેરી આપી શકી નથી. કચેરીને એમ પૂછવામાં આવેલું કે, જામનગર શહેર અને જિલ્લામાં કયા કયા ટ્રસ્ટ કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે ? આ પ્રશ્નનો ઉત્તર આ કચેરી પાસે નથી. આ પ્રકારની કોઈ અલગ યાદી જ આ કચેરી પાસે નથી. અથવા આ કચેરી આ પ્રકારની વિગતો કોઈ કારણસર જાહેર કરવા ઈચ્છતી નથી.
આ ઉપરાંત અન્ય એક પ્રશ્ન એ પૂછવામાં આવ્યો હતો કે, જામનગર શહેર અને જિલ્લામાં કયા કયા ટ્રસ્ટ, કયાં કયાં અને કઈ કઈ હોસ્પિટલ અથવા દવાખાનું ચલાવે છે.? સ્થાનિક કચેરીએ આ પ્રશ્નનો જવાબ પણ વ્યવસ્થિત નથી આપ્યો. આ કચેરી પાસે આવી કોઈ અલગ યાદી જ નથી !! તો પછી, આ કચેરી વર્ષના 365 દિવસ કામગીરીઓ અને કાર્યવાહીઓ કરે છે શું ?! એ વિગતો પણ કયારેય લોકોની જાણ ખાતર સ્વેચ્છાએ જાહેર કરવામાં આવતી નથી. જેને પરિણામે સરકારની આ કચેરીની ગતિવિધિઓ અંગે લોકોમાં ઉત્કંઠા અને રહસ્યમય સ્થિતિ જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટ્રસ્ટ એક એવી સંસ્થા હોય છે જેમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓની સંભાવનાઓ રહેતી હોય છે. ટ્રસ્ટ હસ્તકની ઘણી મિલકતો અથવા મિલકતોનું સંચાલન વિવાદી પણ હોય શકે છે. ઘણાં લોકો ચોક્કસ ટ્રસ્ટ પર ગેરકાયદેસર કબજો ધરાવતાં હોય છે. ટ્રસ્ટના સંચાલનમાં તેમ જ ટ્રસ્ટની રચનાઓમાં પણ ચોક્કસ પ્રકારના ભ્રષ્ટાચાર અને કૌભાંડની શકયતાઓ રહેતી હોય છે અને કાળા નાણાંની હેરાફેરી માટે પણ ઘણાં લોકો ટ્રસ્ટના નામનો દુરુપયોગ કરવાની માનસિકતા ધરાવતાં હોય છે, આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે જો ટ્રસ્ટ સંબંધિત સરકારી કચેરીની કામગીરીઓ કાયમ ખાનગી જ રહેવા સર્જાયેલી રહે તો સ્વાભાવિક રીતે જ કચેરીની પારદર્શિતા વિષે લોકોના મનમાં તરેહતરેહની શંકાકુશંકાઓ જાગે. આવું ન થાય તે માટે સંબંધિત કચેરીએ પોતાની કાર્યવાહીઓ અને કામગીરીઓ અંગે જરૂરી વિગતો લોકો સમક્ષ સ્વેચ્છાએ અને વખતોવખત જાહેર કરવી આવશ્યક લેખી શકાય.