Mysamachar.in:ગાંધીનગર
વન્ય પ્રાણીઓ આપણાં ગુજરાતનું ગૌરવ છે. અને રાજ્યમાં પ્રાણી પ્રેમીઓની સંખ્યા પણ નોંધપાત્ર પ્રમાણમાં છે. પરંતુ વિધાનસભા ગૃહમાં રજૂ થયેલાં આ પ્રાણીઓનાં મોત અંગેનાં મોટાં આંકડાઓ ચિંતા ઉપજાવનારા રહ્યા છે. વિપક્ષી સભ્યના એક પ્રશ્નના જવાબમાં સરકારે આ આંકડાઓ વનમંત્રીનાં માધ્યમથી જાહેર કર્યા છે.
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષી સભ્યે ગુજરાતમાં સિંહ અને દીપડાનાં મોત અંગે વિગતો જાણવા લેખિતમાં પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં કુદરતી રીતે અને અકસ્માતોમાં કુલ 240 સિંહ અને 370 દીપડાનાં મોત નોંધાયા છે. એટલે કે, 730 દિવસ દરમિયાન 610 સિંહ-દીપડાનાં મોત નીપજ્યા !
વિપક્ષનાં પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021 અને 2022 દરમિયાન 123 બાળસિંહ સહિત કુલ 240 સિંહના મોત થયા હતાં. જે પૈકી 26 સિંહના મોત અકુદરતી કારણોથી નોંધાયા છે. બે વર્ષ દરમિયાન જે 370 દીપડાનાં મોત નોંધાયા છે તે પૈકી 100 બાળદીપડા હતાં.
2021માં 124 સિંહ અને 2022 માં 116 સિંહ મોતને ભેટયા હતાં. આ બે વર્ષ દરમિયાન, 2021માં 179 દીપડા અને 2022માં 191 દીપડાનાં મોત નીપજ્યા હતાં. વન્ય પ્રાણીઓનાં અકુદરતી મોતની વિગતો જોઈએ તો, વાહનોની હડફેટે તથા ખૂલ્લાં કૂવામાં પડી જવા જેવાં કારણોથી મોત નોંધાતા હોય છે.
વનમંત્રીએ લેખિત જવાબ આપતાં કહ્યું કે, સરકારે આ પ્રાણીઓનાં અકુદરતી મોત અટકાવવા વિવિધ પગલાં લીધાં છે. જેમાં પ્રાણીઓનાં તબીબોની નિમણૂક તેમજ અકસ્માતનાં કેસમાં ઈજાગ્રસ્ત તથા ગંભીર પ્રાણીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ અને સારવાર કેન્દ્ર સહિતની સેવાઓ અને સુવિધાઓનો સમાવેશ થાય છે. છેલ્લે જૂન-2020માં વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવી હતી, જે મુજબ ગુજરાતમાં 674 એશિયાટીક સિંહ નોંધાયા હતાં. નોંધનીય છે કે, સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં જ એશિયાટિક સિંહો જોવા મળે છે.