Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ઘણાં સમયથી ચર્ચામાં છે. આ મુદ્દે શિક્ષકોનાં સંગઠનોએ પણ એક કરતાં વધુ વખત સરકાર સમક્ષ રજૂઆતો કરી છે. અને વિપક્ષ તથા મીડિયા દ્વારા પણ આ મુદ્દો વારંવાર ઉછાળવામાં આવ્યા પછી, સરકાર પર દબાણ વધતાં આ મુદ્દે બે અલગ અલગ ઠરાવ થયા છે. જે મુજબ જ્ઞાનસહાયકો અને હંગામી પી.ટી.શિક્ષકોની ભરતીઓ કરવામાં આવશે.
ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા થયેલા એક ઠરાવ અનુસાર, સરકારે પ્રવાસી શિક્ષકોની યોજના સમૂળગી રદ્ કરી નાંખી છે. અને હવે તેને સ્થાને જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં 26,500 ઉમેદવારો પસંદ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, શૈક્ષણિક સત્ર શરૂ થયાને દિવસો વીતી જવા છતાં સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હજુ સુધી શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે ! જ્ઞાનસહાયકો તરીકે જે ઉમેદવારો પસંદ કરવામાં આવશે તેઓએ ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલી હશે. જો કે તેઓને 11 માસનાં કરાર આધારિત જ્ઞાનસહાયકો તરીકે લેવામાં આવશે. એવું જાહેર થયું છે કે, પ્રાથમિક શાળાઓમાં 15,000 અને ધોરણ 9 થી 12 માં 11,500 જગ્યાઓ પર આ રીતે નિમણૂંકો થશે.
જ્ઞાનસહાયકો ઉપરાંત રાજ્યભરમાં પી.ટી. શિક્ષકોની પણ ભરતીઓ થશે. જો કે આ ભરતી પણ હંગામી શિક્ષકોની હશે. જ્ઞાનસહાયકોને રૂ.21-26 હજારની મર્યાદામાં વેતન આપવામાં આવશે. રાજ્યમાં આશરે 5,075 પી.ટી. શિક્ષકોની ભરતી થશે. તેઓની નિમણૂંક સ્પોર્ટ્સ એપ્ટિટયૂટ ટેસ્ટથી થશે. જાહેર થયું છે કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પૈકી જે શાળાઓમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ હશે ત્યાં આ નિમણૂંકો કરવામાં આવશે. નિમણૂંક પહેલાં ટેસ્ટના પરિણામનાં આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ માટે પણ વિધિવત્ ઠરાવ થયો હોવાનું જાહેર થયું છે.