Mysamachar.in-જામનગરઃ
જામનગરમાં સિઝનમાં પહેલીવાર રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઇ છે, જેના કારણે જામનગરવાસીઓ ઠંડીથી ઠુંઠવાયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં પહેલીવાર લઘુત્તમ તાપમાનનો પારો 5.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે, જેમાં ઠંડીને કારણે લોકો તાપણાંનો સહારો લેવા મજબૂર બની શકે છે. જામનગરમાં મહત્તમ તાપમાન 22 ડિગ્રી, ભેજનું પ્રમાણ 78 ટકા જ્યારે પવન 3.74ની સ્પીડે ફૂંકાયો હતો. કંટ્રોલરૂમના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં આટલું લઘુત્તમ તાપમાન પ્રથમવાર નોંધાયું છે. હજું બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સમગ્ર રાજ્ય શીતાગારમાં ફેરવાઈ ગયું હોય તેવી જબરદસ્ત ઠંડીનો માહોલ સર્જાયો છે. ઉત્તરપ્રદેશ પર છવાયેલાં સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી ફેલાયું હોય તેની અસરથી હવામાન ખાતાએ કોલ્ડ વેવની સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ ડે એટલે કે અતિશય ઠંડા દિવસની પણ આગાહી કરી છે. આગામી બે-ત્રણ દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 3.4 ડિગ્રી નોંધાઈ હતી.