Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં ‘રેરા’ હેઠળ ઘણાં બાંધકામ પ્રોજેક્ટસ થતાં રહેતાં હોય છે. જો કે, સૌરાષ્ટ્રમાં રાજકોટને બાદ કરતાં ક્યાંય ‘રેરા’ પ્રોજેક્ટ્સ ચર્ચાઓમાં નથી ! જાણે કે, ‘રેરા’ ને સૌરાષ્ટ્રમાં રસ નથી. કારણ કે, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ‘રેરા’ હેઠળ ચિક્કાર કામ થાય છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટાભાગનું રોકાણ આ ત્રણ શહેરોમાં જ થાય છે. ‘રેરા’નો 2021-22નો રિપોર્ટ કહે છે : રાજ્યમાં ‘રેરા’ હેઠળ જે કુલ રોકાણ આવ્યું છે તે પૈકી 42 ટકા રોકાણ એકલાં અમદાવાદ શહેરમાં થયું છે ! રાજ્યનાં કુલ પ્રોજેક્ટ પૈકી 32 ટકા પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ થયાં. અને, આ પ્રોજેક્ટમાં સરેરાશ 34 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.
રિપોર્ટ અનુસાર, સુરતમાં રાજ્યનું 20 ટકા રોકાણ ગયું છે. સુરતનાં ભાગે 12 ટકા પ્રોજેક્ટ ગયા છે. રાજ્યમાં જે કુલ મકાનો તૈયાર થશે તે પૈકી 22 ટકા મકાનો એકલાં સુરતમાં થશે. વડોદરામાં રાજ્યનાં 19 ટકા પ્રોજેક્ટ આવ્યા છે. જેમાં અંદાજે 16 ટકા રોકાણ આવ્યું છે. અને વડોદરામાં કુલ મકાનો પૈકી 17 ટકા જેટલાં મકાનો (યુનિટ) બનશે. રાજકોટનાં ભાગે 14 ટકા પ્રોજેક્ટ આવ્યા છે, જો કે એમાં મૂડીરોકાણ માત્ર 6 ટકા છે. મતલબ, નાનાં પ્રોજેક્ટ છે. અને, રાજ્યનાં કુલ યુનિટ પૈકી 8 ટકા યુનિટ રાજકોટમાં બનશે. જામનગર-ભાવનગર અને જૂનાગઢનો દેખાવ, આ રિપોર્ટમાં એકદમ નોર્મલ છે. સૌરાષ્ટ્રનાં આ ત્રણ શહેરોમાં કુલ રોકાણ પૈકી માત્ર 6 ટકા રોકાણ આવ્યું. એટલે કે, રાજ્યનાં વિકાસનો પચાસમો ભાગ (2ટકા)આ શહેરોમાં થાય છે !
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ‘રેરા’ ની સ્થાપના 2017 માં થઈ, ત્યારથી અત્યાર સુધીમાં ‘રેરા’ અંતર્ગત રાજ્યમાં રૂ.2,80,000 કરોડ નું રોકાણ થયું છે. જે પૈકીની રૂ.60,109 કરોડની રકમ જમીન પાછળ ખર્ચ થઈ છે. બાકીની રકમમાંથી મકાનો અને ઈમારતો બની. કુલ રકમ પૈકી રૂ.1,19,000 કરોડ રહેણાંક બનાવવા ખર્ચ કરવામાં આવી. રૂ.1,00,000કરોડ મિશ્ર( રહેણાંક વતા કોમર્શિયલ) બાંધકામો પાછળ તથા રૂ.57,900 કરોડ કોમર્શિયલ બાંધકામો માટે ખર્ચ થયાં. બાકીની રકમ અન્ય પ્રકારના બાંધકામો પાછળ ખર્ચ થઈ, જમીનની કિંમતમાં વધારાની દ્રષ્ટિએ પણ પ્રથમ ક્રમે અમદાવાદ અને બીજા ક્રમે સુરત છે. વડોદરા ચોથા ક્રમે અને ગાંધીનગર ત્રીજા ક્રમે છે ! જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં જમીનોના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો નથી. આ બિલ્ડરો અને ડેવલોપરની ખરીદીની વાત છે. ગ્રાહકે તો ઉંચા ભાવે જ ખરીદી કરવી પડે છે.