Mysamachar.in-અમદાવાદ:
દિવસે ને દિવસે રાજ્યમાં સબંધો જ એકબીજાના ખૂનના ભૂખ્યા બન્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જાણે સંબંધોમાં કોઈ સન્માન નથી રહ્યું, ન તો કોઈ મર્યાદા રહી છે. માતાપિતા કે સંતાનો એકબીજા પર હુમલો કરવા કે હત્યા કરવા સુધીના પગલા લે છે, રાજ્યના વડોદરામાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, વડોદરાના આજવા રોડ વિસ્તારમાં માતાએ જ પુત્રી પર ચપ્પુના ઘા ઝીંકવાના મામલે ભારે ચકચાર મચી જવા પામી છે,
માતાએ પોતાની જ 13 વર્ષની દીકરી પર ચપ્પુના 20 ઘા ઝીંકીને તેને લોહીલુહાણ બનાવી દેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે, પોતાનો બોયફ્રેન્ડ છીનવાઈ જવાના ડરે માતાએ પોતાની સગીર વયની દીકરી સાથે મૈત્રી કરતો હોવાની શંકાએ ખૂની ખેલ ખેલ્યો હતો. તેના બાદ માતાએ જ પોલીસને ફોન કરી બનાવની જાણ કરી હતી. હુમલો કરનાર માતા જ પુત્રીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. હાલ પુત્રી સારવાર હેઠળ છે.
આજવા રોડની શ્રીજી ગ્રીન સોસાયટીમાં આ ઘટના બની હતી. બન્યુ એમ હતું કે, શ્રીજી ગ્રીન સોસાયટીમાં માતા તેની 13 વર્ષીય દીકરી સાથે રહેતી હતી. 39 વર્ષીય માતાના છૂટેછેડા થયા હતા. તેથી તે ઓનલાઈન વ્યવસાય કરીને પોતાનુ અને દીકરીનુ ગુજરાન ચલાવતી હતી. બે વર્ષ પહેલા માતાનો સંપર્ક એક યુવક સાથે થયો હતો, ઓનલાઈન પરિચય બાદ મૈત્રી સંબંધ જોડાયો હતો. આ અંગે દીકરીને જાણ થતા માતાપુત્રી વચ્ચે રોજ ઝઘડા થતા હતા. આ દરમિયાન 13 વર્ષીય દીકરી જ યુવકના સંપર્કમાં આવી હતી, અને બંને વચ્ચે વાતચીત વધી હતી.
આ જાણી જતા માતા ગુસ્સે ભરાઈ હતી, અને મંગળવારે માતાએ દીકરી પર ચાકૂથી હુમલો કર્યો હતો. માતાએ દીકરી પર 20 થી વધુ ઘા માર્યા હતા. જોકે, આ બાદ માતા ખુદ દીકરીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. દીકરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બોયફ્રેન્ડના મોહમાં પુત્રી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર માતાના અગાઉ બે વાર છૂટાછેડા થયા છે.