Mysamachar.in:રાજકોટ
વાત રસ્તાની હોય કે રેલવેની, ગુજરાતનાં ધમધમતા વિકાસ સાથે સૌરાષ્ટ્રને જોડવામાં વર્ષો અને દાયકાઓનો વિલંબ થયો હોય, ગુજરાતનાં અન્ય મથકોની સરખામણીએ સૌરાષ્ટ્રને વિકાસનાં ફળો ભારે વિલંબથી મળી રહ્યા છે ! સૌરાષ્ટ્રની નેતાગીરી પણ ઉણી ઉતરી દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રમાં લોકજાગૃતિનો અભાવ પણ આ મુદ્દે સપાટી પર દેખાઈ રહ્યો છે !
દાખલા તરીકે : રાજકોટ અમદાવાદ અને રાજકોટ ઓખા ડબલ રેલવે ટ્રેકનું કામ, દાયકાઓ પછી આજે પણ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું છે ! રેલવે તંત્રને તો ઉતાવળ નથી જ, સરકાર-નેતાઓ અને પબ્લિક, બધાં જ જાણે કે આરામ ફરમાવે છે ! એ જ રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો એક માત્ર હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે વર્ષોથી કામ ચાલુ !! વર્ષો પહેલાં એમ કહેવાયું કે, 2018 માં કામ પૂર્ણ થઈ જશે ! 2018 નું વર્ષ જતું રહ્યું, 2023 નું વર્ષ પણ પૂર્ણ થવા તરફ દોડી રહ્યું છે ! હજુ આ હાઈવેનું કામ અધૂરું !!
હવે સરકાર કહે છે : જૂન-2023 સુધીમાં કામ પૂર્ણ થઈ જશે ! વધુ એક ખોટો વાયદો ! આ માર્ગ પરનાં 39 ફ્લાય ઓવર પૈકી 19 ફલાય ઓવર જ કાર્યરત થયાં છે ! જૂન-2023 તો હમણાં શરૂ થઈ જશે, આ રસ્તાનું કામ ગણતરીના દિવસોમાં કેવી રીતે પૂર્ણ થશે ?! સરકાર વર્ષો દરમિયાન જે ચમત્કાર કરી શકી નથી, એ ચમત્કાર ગણતરીના દિવસોમાં કેવી રીતે કરશે ?!!?
આ હાઈવેના લબડધકકા જેવાં કામથી રાજકોટ અમદાવાદ વચ્ચેની ચાર કલાકની મુસાફરી સાડા પાંચ કલાકે પણ પૂર્ણ થતી નથી ! લાખ્ખો માનવકલાકો વેડફાઈ રહ્યા છે ! લાખ્ખો પ્રવાસીઓ પરેશાન છે ! કરોડો લિટર ઈંધણ બરબાદ થઈ રહ્યું છે ! અને નેતાઓ, અન્ય કામોમાં વ્યસ્ત છે !! જેને કારણે વર્ષોથી લાખ્ખો લોકો હાલાકીઓ વેઠી રહ્યા છે !!