Mysamachar.in-અમદાવાદ
રાહુલ ગાંધીએ અમદાવાદમાં સંબોધન કરતા કહ્યું કે. ડરશો નહીં, ડરાવશો નહીં, તમામ ધર્મનો મંત્ર આ જ છે. હવે ગુજરાતમાં ભાજપની હાર નિશ્ચિત છે, અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપની હાર થશે.કૉંગ્રેસના બબ્બર શેર કાર્યકર્તાઓ ભાજપને હરાવશે.આપણે ડરવાનું નથી.ગુજરાતની જનતા ડર વગર લડશે તો ભાજપ હારશે,કૉંગ્રેસમાં ડરની રાજનીતિ નથી,કોંગ્રેસનો કાર્યકર્તા મુક્તમને વાત કરી શકે છે, અમારો કાર્યકર્તા અમારાથી ડરતો નથી” રાહુલ ગાંધીએ કહયું કે, ભાજપે અમારી ઓફિસ તોડી છે અમે તેમની સરકાર તોડીશું”. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ નફરતની રાજનિતી કરે છે જ્યારે અમે પ્રેમથી ભાજપને હરાવીશું. ગુજરાતમાં ડર્યા વિના ભાજપને હરાવવાનો રાહુલ ગાંધીએ હુકાર ભર્યો હતો.
રાહુલ ગાંધીની આજની ગુજરાત મુલાકાતને વિશિષ્ટ સંદર્ભોમાં જોવામાં આવી છે. આજે બપોરે તેઓ 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં તાજેતરમાં રાહુલ ગાંધીએ સંસદમાં બોલતી વખતે ભાજપાને હિંસક લેખાવી કહેલું કે, હિન્દુઓ હિંસા અને નફરત ન આચરે. એમના આ નિવેદનના દેશમાં એક માત્ર ગુજરાતમાં પડઘા પડ્યા. અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલો થયો. બાદમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની ઘટના બની. ભાજપા, કોંગ્રેસ અને પોલીસ દ્વારા કુલ 3 ફરિયાદો થઈ. કોંગ્રેસના કેટલાંક કાર્યકર્તાઓની અટક થઈ.
આ પ્રકારના ઘટનાક્રમ બાદ આજે રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી. તેઓ ધરપકડ થયેલાં કાર્યકર્તાઓની મુલાકાત લ્યે એ અગાઉ જ પોલીસે આ કાર્યકર્તાઓને અદાલતમાં રજૂ કરી દીધાં. આ ઉપરાંત એવી ગોઠવણ કરવામાં આવી છે કે, સંબોધન બાદ કસ્ટડીમાં રહેલાં કોંગ્રેસ કાર્યકર્તાઓના પરિવારજનો સાથે મુલાકાત, બાદમાં વડોદરા હરણીકાંડ, સુરત તક્ષશિલા અગ્નિકાંડ અને રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પિડીત પરિવારજનો સાથે કોંગ્રેસ ભવન ખાતે મુલાકાત થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મુલાકાત પહેલાં રાહુલ ગાંધીએ આ પિડીતો સાથે ઓનલાઈન મુલાકાત પણ કરી હતી.
યોગાનુયોગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે અમદાવાદમાં છે. આજે કોંગ્રેસ ભવન ખાતે રેપિડ એક્શન ફોર્સના જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને સરકાર દ્વારા ખૂબ જ સંવેદનશીલ રીતે જોવામાં આવી રહી છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ સંસદમાં એવું પણ બયાન આપ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ ભાજપાને હરાવશે. રાહુલ ગાંધીની આ ચેલેન્જને ગુજરાત અને દિલ્હી ભાજપા દ્વારા ગંભીર રીતે લેખવામાં આવી રહી છે. રાહુલના આગમનને કારણે પ્રદેશ કોંગ્રેસમાં આજે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.