Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં ગત્ 15મી જૂલાઈએ બિનવારસી નમકનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો. આ જથ્થો કોનો છે ? કોણે જાહેર સ્થળે ફેંકી દીધો ? શા માટે ફેંકી દીધો ? આ મામલામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનાં સરકારી ગોદામની કોઈ સંડોવણી છે કે કેમ ? વગેરે મુદ્દાઓની તપાસ હજુ આજની તારીખે, 17 દિવસ વીતી ગયા પછી પણ પૂર્ણ થઈ નથી ! તપાસટીમ નમકની હકીકત બહાર શા માટે લાવતી નથી ?!
આ બિનવારસી જથ્થાની નમક બેગ પર સ્પષ્ટ રીતે લખેલું છે કે, આ તમામ બેગ અન્ન અને નાગરિક પુરવઠા નિગમ સાથે સંકળાયેલી છે. આમ છતાં જામનગરનો પૂરવઠા વિભાગ , આ જથ્થો સરકારી ગોદામનો નથી, એવો પ્રચાર બિનસત્તાવાર રીતે શા માટે કરી રહ્યો છે ?! એ પણ રહસ્ય છે. કલ્પતરુ બ્રાન્ડ ધરાવતો મીઠાનો આ મોટો અને બિનવારસી જથ્થો મળી આવ્યો ત્યારે જિલ્લા પૂરવઠા અધિકારી નિલાક્ષ મકવાણાએ જાહેરમાં એવી શેખી હાંકી હતી કે, આ જથ્થાની તપાસ માટે સપ્લાય ઇન્સ્પેકટરની ટીમની રચના કરવામાં આવી છે અને માત્ર 48 કલાકમાં જ આ બિનવારસી જથ્થાની તપાસ કરી લેવામાં આવશે. આજે બનાવનાં સતર-સતર દિવસ પછી પણ, આ મામલાની તપાસ પૂર્ણ થઈ નથી ! તપાસટીમ અને પૂરવઠા તંત્ર કરે છે શું ?!
જિલ્લા પૂરવઠા અધિકારી નિલાક્ષ મકવાણાએ જણાવ્યુ કે…
આ મુદ્દે માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં જિલ્લા પૂરવઠા અધિકારીએ સ્વીકાર્યું છે કે, આ તપાસ પૂર્ણ કરવામાં આવી નથી. તપાસટીમે 48 કલાકમાં કામગીરી પૂર્ણ કરી નથી. આથી તપાસટીમને રિમાઈન્ડર પત્ર લખવામાં આવ્યો છે. ( અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પૂરવઠા અધિકારીએ તપાસટીમને આ કામ યાદ ન અપાવવાનું હોય, જિલ્લા પૂરવઠા અધિકારી મુખ્ય અધિકારી છે, તેઓએ તપાસટીમનાં મુખ્ય અધિકારીનો ખુલાસો પૂછવાનો હોય અને તપાસટીમ આ મામલામાં કોઈ શંકાસ્પદ ભૂમિકા ભજવી રહી છે કે કેમ ? તેની તપાસ કરવી જોઈએ) તેને બદલે ખુદ જિલ્લા પૂરવઠા અધિકારી આ મામલાને લાંબો ખેંચી રહ્યા છે ! તેથી દાળમાં કંઈક કાળું છે એવું હાલ સમજાઈ રહ્યું છે. અને પૂરવઠા તંત્ર તપાસટીમને છાવરી રહ્યું છે એવું પણ સમજાઈ રહ્યું છે !
તપાસટીમનાં મુખ્ય અધિકારી શું કહે છે ?
જિલ્લા પૂરવઠા અધિકારી નિલાક્ષ મકવાણાએ આ બિનવારસી જથ્થાની તપાસ માટે બે સપ્લાય ઇન્સ્પેકટરની ટીમની રચના કરી છે અને ટીમના મુખ્ય અધિકારી તરીકે ચીફ સપ્લાય ઇન્સ્પેકટરની નિયુક્તિ કરવામાં આવી છે. તેમનું નામ રાકેશ પરમાર છે. તેઓએ માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે ! ( તેઓ ખોટું બોલે છે ! તપાસ પૂર્ણ કરવામાં આવી નથી એટલે તો જિલ્લા પૂરવઠા અધિકારીએ તેઓને આ મુદ્દે રિમાઈન્ડર પત્ર લખવો પડ્યો છે ) બીજું, તપાસરિપોર્ટ હજુ સુધી જિલ્લા પૂરવઠા અધિકારી સમક્ષ સબમિટ શા માટે કરવામાં આવ્યો નથી ?! રિપોર્ટમાં કોઈ લોચો છે ?! સમગ્ર પૂરવઠા તંત્ર આ આખા મામલાને ચકકરડી ફેરવી રહ્યું હોય, એવું શા માટે દેખાઈ રહ્યું છે ? આ મામલો કોઈ કૌભાંડ છે ? ત્રીજો મુદ્દો : ચીફ સપ્લાય ઇન્સ્પેકટર એટલે કે આ તપાસટીમનાં મુખ્ય અધિકારી કહે છે કે, આ રિપોર્ટની કોઈ વિગતો આપવા હું સક્ષમ અધિકારી નથી. બીજી બાજુ હકીકત એ છે કે, પૂરવઠા વિભાગના જ અન્ય એક સિનિયર અધિકારી એવો પ્રચાર કરે છે કે, આ મીઠાનો જથ્થો સરકારી નથી. આવો બિનસત્તાવાર પ્રચાર, તપાસ રિપોર્ટ સબમિટ અને જાહેર થયાં પહેલાં, શા માટે કરવો પડે છે ?! મતલબ, કોઈક કસુરવારને બચાવી લેવા પૂરવઠા વિભાગમાં ખેલ કરવામાં આવી રહ્યો છે ! એવું સમજાઈ રહ્યું છે.
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, કલ્પતરુ બ્રાન્ડ ધરાવતો આ જથ્થો સરકારી છે. અને વ્યાજબી ભાવની દુકાનોનાં ધારકો પાસે આટલાં મોટાં પ્રમાણમાં આ જથ્થો હોતો નથી. આ જથ્થો સરકારી ગોદામનો હોવાની શક્યતા વધુ છે. અથવા, કંઇક પાપ છૂપાવવા ખેલ પડી રહ્યો છે ? એવું પણ માનવામાં આવી રહ્યું છે. જિલ્લા પૂરવઠા તંત્રએ આ મામલાનો તપાસ રિપોર્ટ તાકીદે જાહેર કરવો જોઈએ. જેથી ચર્ચાઓમાં ચાલતી તમામ શંકાઓનું જાહેરમાં સમાધાન થઈ શકે એવું જાણકારોનું માનવું છે.