mysamachar.in-મોરબી
આ વર્ષ દુષ્કાળનું વર્ષ હોય તેમ લાગી રહ્યું છે,સમગ્ર રાજ્ય સહીત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન વ્યાપક બની ગયો હોય તેમ લાગી રહ્યું છે,એવામાં માળિયા તાલુકાના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું અપૂરતું પાણી મળતા અગાઉ કરેલા આંદોલન બાદ પ્રશ્નનોનું નિરાકરણના આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ આજે જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવીને પ્રતિક ઉપવાસની શરૂઆત કરી છે,
આજે સવારે ૧૪ ગામના હજારો ખેડૂતો ખાખરેચી, વેજપર,જુના ઘાટીલા નવા ઘાટીલા, વિજયનગર, ટિકડ, સુલતાનપુર, કુંભરીયા, વેણા સર, આ તમામ ગામના ખેડૂતો ખાખરેચી ગામ થી કેનાલ સુધી ૩ કી. મી. ની રેલી યોજી કેનાલના કિનારે ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે,અને ખેડૂતો દ્વારા એ પણ જણાવેલ કે આ આંદોલન દરમ્યાન સરકાર દ્વારા ખેડૂતોની માંગ પુરી કરવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચારવામાં આવી છે,
માળિયા તાલુકાના નર્મદા શાખા નહેરમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા તા. ૨૩-૧૦ પછી ૦૬-૧૧ અને ૧૨-૧૧ ના પત્ર દ્વારા નીતિનભાઈ પટેલને અને વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં પાણી વધારવાને બદલે પાણી ઘટાડવાના આદેશો થતા માળિયા તાલુકાના ખેડૂતોને પ્રતિપાદિત થયું કે માળિયા તાલુકાના ખેડૂતોને રવિ પાક માટે સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી નહિ મળે તેમ હોવાથી આજે રેલી યોજી ખાખરેચી ગામથી શાખા નહેર સુધી ગયા હતા,અને માળિયા તાલુકાના લાભાર્થી ગામોના ખેડૂતો ત્રણ દિવસ સુધી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે,
ટિકડ થી માળીયા સુધીના ૧૪ ગામોના ખેડૂતોના રવિ પાકના વાવેતર થઇ ચુક્યા છે,છતાંય હજુ સુધી માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું,જેના લીધે ખેડૂતોના પાક સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતો જે રવિ પાક માટે ખર્ચ કર્યો તે પણ મોટું નુકસાન થશે તેવું માનવામાં આવી રહ્યું છે.