Mysamachar.in-રાજકોટઃ
સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો રાજકોટમાં બન્યો છે. અહીં શાળા નંબર-1માં એક આચાર્યએ મનસ્વી રીતે નિર્ણય લઇ બે વિદ્યાર્થિનીને લાઇનમાં ઉભી રાખી વાળ કાપી નાખ્યા, જ્યારે આ વાતની જાણ થતા જ વિદ્યાર્થિનીના વાલીઓ સ્કૂલે દોડી આવ્યા અને હોબાળો મચાવ્યો હતો. બાદમાં એક પછી તપાસમાં વિગતો સામે આવી કે શાળામાં વિદ્યાર્થિનીઓએ નિયમ પ્રમાણે વાળ ઓળવ્યા ન હતા. એટલે કે શાળામાં બે ચોટલી રાખવી ફરજિયાત હતી. આ સામાન્ય નિયમના ભંગ બાદ મહિલા આચાર્યનો પીતો ગયો અને કાતર લઇને બે વિદ્યાર્થિનીના વાળ કાપી નાખ્યા હોવાનો વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓ આક્ષેપ લગાવી રહ્યાં છે.
બીજી બાજુ ખૂદ મહિલા આચાર્યએ સામેથી શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકોર સમક્ષ નિવેદન આપ્યા કબૂલાત આપી કે બે વિદ્યાર્થિનીના માત્ર થોડા વાળ જ કાપ્યા હતા, જો કે વિદ્યાર્થિનીઓએ ઘરે જઇને વધુ વાળ કાપી નાખી વાલીઓને સાથે રાખી ખોટી ફરિયાદ કરી છે. શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે કાયદો કોઇને પણ હાથમાં લેવાની છૂટ નથી. તપાસ બાદ કસૂરવાર વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શાળામાં શિસ્તના આગ્રહ માટે વિદ્યાર્થીઓના વાલીઓનું ધ્યાન દોરવું જોઇએ.