Mysamachar.in:ગાંધીનગર:
આજે સવારથી ગુજરાત વધુ વાઈબ્રન્ટ દેખાઈ રહ્યું છે કેમ કે, 20 વર્ષ અગાઉ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવનાર વડાપ્રધાન ખુદ અત્યારે આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે આવી પહોંચ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાઈબ્રન્સી આજે ચરમસીમા પર છે. આજે સવારે વડાપ્રધાન મોદીએ પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે બેઠક યોજી હતી. બપોરે તેઓ ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂકશે. અને આવતીકાલે તેઓના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉદઘાટિત થશે. મહાત્મા મંદિર ખાતે તેઓએ અલગઅલગ બે દેશના વડાઓ સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ તેઓની બેઠક પાંચ ગ્લોબલ CEO સાથે આયોજિત છે. આ બધી જ બેઠકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આજે બપોરે વડાપ્રધાન ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂકશે.
વડાપ્રધાનની ઉપસ્થિતિને કારણે મહાત્મા મંદિર ખાતે હંગામી પ્રધાનમંત્રી કાર્યાલય ઉભું કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અગાઉ મુખ્યમંત્રીએ એરપોર્ટ પર મોઝામબિકના રાષ્ટ્રપતિ ફીલીપ જૈસિંટોને આવકાર્યા હતાં. બાદમાં આ કાફલો મહાત્મા મંદિર ખાતે પહોંચ્યો હતો. તે દરમિયાન વડાપ્રધાનનો કાફલો પણ મહાત્મા મંદિર પહોંચી ગયો હતો.
મહાત્મા મંદિરમાં આજે વડાપ્રધાને મોઝામબિક ઉપરાંત ટીમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરી હતી. આ તકે CM પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. અમદાવાદના એરપોર્ટ પર આ બધાં કાર્યક્રમોને કારણે હાલ પાર્કિંગ પ્લોટ ઉપલબ્ધ ન હોવાથી કેટલીક ફ્લાઇટ્સ તથા ચાર્ટર પ્લેનને પાર્ક કરવા, રાજકોટ-સુરત અને વડોદરા લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વડાપ્રધાનના હસ્તે બપોરે 3-00 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શો ઉદઘાટિત થશે જેમાં 100 દેશ વિઝિટર છે અને 33 દેશ પાર્ટનર છે. આ શો ના ઉદઘાટન બાદ આજે સાંજે વડાપ્રધાન અને UAE ના રાષ્ટ્રપતિનો અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લીલા હોટેલ સુધી રોડ શો યોજાશે.