Mysamachar.in:ગાંધીનગર
રાજ્યનાં શિક્ષણ વિભાગમાં થતાં કામોની ગતિ કેવા પ્રકારની હોય છે તે અંગેનું એક ઉદાહરણ જાહેર થયું છે. રાજયની શૈક્ષણિક સંકલન સમિતિએ ઘણાં સમય પહેલાં સરકાર સમક્ષ વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો તથા મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી પરંતુ આજની તારીખે સરકાર દ્વારા આ પૈકી એકેય મુદ્દા સંબંધિત પરિપત્ર કર્યો ન હોય, શૈક્ષણિક સંકલન સમિતિએ ફરી એકવાર સરકાર સમક્ષ આ મુદ્દાઓની રજૂઆત કરી છે. શૈક્ષણિક સંકલન સમિતિએ જણાવ્યું છે કે, નવી શિક્ષણ નીતિ મુજબ વર્ગની સરાસરી સંખ્યા 35 રાખવા, શાળાઓની ગ્રાન્ટમાં તથા કોમ્પ્યુટર ફીમાં વધારો કરવા મંજૂરી આપવા, ધોરણ 10 માં નાપાસ છાત્રોને શાળાઓમાં પુનઃ પ્રવેશ આપવા તેમજ પેન્શન યોજના અંગે તાકીદે નિર્ણય લેવા સરકાર સમક્ષ ફરીથી રજૂઆત કરવામાં આવી છે.
સમિતિ કહે છે : આ અગાઉ રજૂઆત કરવામાં આવી ત્યારે સરકારે રજૂઆતો પ્રત્યે હકારાત્મક વલણ અખત્યાર કર્યું હતું પરંતુ તેની અમલવારી થવા પામી નથી. આ રજૂઆતો પૈકીનાં એક પણ મુદ્દે સરકારે પરિપત્ર કર્યો નથી. આથી સમિતિ દ્વારા ફરી માંગ કરવામાં આવી છે. આ વખતે પણ સમિતિએ સીધી જ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. કારણ કે, આજદિન સુધી શિક્ષણ વિભાગ દ્વારા આ માંગણીઓ અંગે પરિપત્ર જાહેર થયો ન હોય, રાજયભરનાં શિક્ષકોમાં નારાજગી પ્રવર્તે છે.
જે 12 મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ તાકીદે ભરવામાં આવે, નવનિયુક્ત આચાર્યને 1965 મુજબ એક ઇજાફો આપવાની જોગવાઈ કરતો પરિપત્ર જાહેર કરવા તથા આચાર્યની ભરતી પ્રક્રિયા માટે તાત્કાલિક શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ કરી ઝડપથી આ ભરતીઓ કરવામાં આવે એ સહિતની કુલ 12 માંગણીઓ ફરીથી શિક્ષણમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે.