Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત ગુજરાતમાં આગામી સમયમાં મહેસૂલી કર્મચારીઓ પૈકી વર્ગ-3 નાં કર્મચારીઓની બદલીઓ માટેનાં ચક્રો ગતિમાન થયા છે. આ ગતિવિધિઓ મહેસૂલ વિભાગનાં પરિપત્ર બાદ શરૂ થવા પામી છે. મહેસૂલ વિભાગનાં પરિપત્રમાં જણાવાયું છે કે, દરેક જિલ્લામાં કલેકટરોએ એ જોવાનું રહેશે કે – તેઓનાં જિલ્લામાં મહેસૂલ વિભાગમાં વર્ગ-3 નાં જે કર્મચારીઓ 4 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવી રહ્યા હોય, તેઓની બદલીઓ કરવાની રહેશે. આ કર્મચારીઓમાં નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓનો સમાવેશ થાય છે.
દરેક જિલ્લા કલેકટરે આ માટેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે અને તેનો રિપોર્ટ સંબંધિત શાખામાં મોકલવાનો રહેશે. અત્રે નોંધનીય છે કે, આગામી સમયમાં જામનગર સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ આવી રહી છે. લોકસભા ચૂંટણી (મે-2024) પહેલાં રાજ્યભરમાં પંચાયત ચૂંટણીઓ માટે તખ્તો ગોઠવાયો હોવાનું પણ જાણવા મળે છે.