Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં શાસકપક્ષને 156 ધારાસભ્યો મળ્યા પરંતુ રાજ્યનાં પ્રધાનમંડળની સાઈઝ ખૂબ જ નાની રાખવામાં આવી, તેથી ધારાસભ્યોમાં અસંતોષ અને નારાજગી છે એવો સંકેત પામી જઈને દિલ્હીએ ગાંધીનગરને પ્રધાનમંડળની ફેરરચના અથવા ઉમેરો કરવાની મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળે છે. અને, તે માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
એક તરફ ધારાસભ્યોની નારાજગી અને અસંતોષ. બીજી તરફ બોર્ડ અને નિગમોમાં પણ વર્ષોથી નેતાઓને ગોઠવવામાં આવ્યા નથી. ત્રીજી તરફ, આગામી લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખી, સૌ સ્થાનિક નેતાઓને થોડાંક પણ, ખુશ રાખવા ફરજિયાત છે. આ બધાં સમીકરણો સાથે નવા મંત્રીઓ બનશે, બોર્ડ અને નિગમોમાં નવા બોસ નિમાશે અને બાકીનાઓને સંસદીય સચિવ બનાવવામાં આવશે, એમ આધારભૂત સૂત્રો કહી રહ્યા છે. જો કે એ પહેલાં મૂરતિયાઓની પસંદગીનું અંતિમ લિસ્ટ મંજૂરી માટે દિલ્હી જશે, એમ પણ ચર્ચા છે.
ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં માત્ર 17 મંત્રીઓ છે, જે પૈકી મોટાભાગના રાજ્યકક્ષાના મંત્રીઓ છે. નવી ફેરરચના અથવા ઉમેરો વધુ આઠ-દસ નેતાઓને લાલ લાઈટ અપાવી શકે છે. ઘણાંની તમન્ના સારાં બોર્ડ નિગમમાં છે. ઘણાં સંસદીય સચિવ પદથી સમજી જશે. સૂત્રો એમ પણ કહે છે કે, એકાદ વધુ મહિલાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. પરંતુ અત્યંત વિશ્વાસપાત્ર સ્રોતો જણાવી રહ્યા છે કે, આ વિસ્તરણ વખતે માત્ર એવા જિલ્લાઓને જ ધ્યાનમાં લેવામાં આવશે જે જિલ્લાઓને મંત્રીમંડળમાં સરકારની રચના વખતે સ્થાન મળ્યું નથી. એટલે જો આ થિયરી અપનાવવામાં આવે તો, મંત્રીમંડળ વિસ્તરણમાં જામનગરને કોઈ જ ફાયદો નહીં થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી આવતાં વર્ષે આવી રહી હોય, સાંસદ બનવા થનગનતા ઘણાં લોકોને પણ મંત્રીમંડળ વિસ્તરણમાં ઠેકાણે પાડી દેવામાં આવે. જો કે, એક શક્યતા એવી પણ છે કે, દિલ્હીથી યાદી આવી જ ગઈ હશે, ગાંધીનગરમાં તો માત્ર નામોની જાહેરાતની ફોર્માલિટી જ પતાવવાની છે ! અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન 10 મે અને મતગણતરી 13 મે નાં દિવસે હોય, ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ 14-15 મે નાં દિવસે જાહેર થઈ શકે છે. બાકી તો, દિલ્હી-ગાંધીનગર કરે એ ખરૂં.